Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

ઢોર નહી પકડવા ઉઘરાવાતો કરોડોનો હપ્તો ભાજપ કાર્યાલય સુધી પહોચે છે? :બોર્ડમાં હોબાળો

CNCD ખાતાના ઇન્સ્પેકટર ગાય નહી પકડવાના ૧૦ હજાર લેતા પકડાયાનો વિવાદ વકર્યો : અધિકારીઓએ કોના પીઠબળથી ઉઘરાણી કરી? : પુર્વ વિપક્ષી નેતા કમળા ચાવડા

અમદાવાદ : પાલડી સ્થિત ટાગોર હોલ ખાતે મ્યુનિ. સામાન્ય સભા મળી હતી. સભામાં પુર્વ વિપક્ષના નેતા કમળાબહેન ચાવડાએ ગંભીર આક્ષેપો કરતા હોબાળો થયો હતો. કોંગ્રેસ અને ભાજપના કોર્પોરેટરો સામસામે આવી ગયા હતા અને એકબીજાની વિરૂધ્ધમાં સુત્રોચ્ચાર કર્યા હતા જેથી સામાન્ય સભાને આટોપી લેવાની ફરજ પડી હતી. કમળાબેન ચાવડાએ શુન્યકાળમાં બોલતા જણાવ્યુ હતુ કે, મ્યુનિ. ભાજપના શાસકો ગૌ માતાના નામે વોટ માંગે છે પછી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ભાજપના શાસકોના આશિર્વાદથી ગૌમાતાને નહી પકડવાના નામે હપ્તા પણ ઉઘરાવવામાં આવે છે. તાજેતરમાં એક પશુમાલિક પાસેથી મહિને ૧૦ હજારનો હપ્તો લેતા એક પોલીસ ઇન્સ્પેકટર પકડાયા.

હવે ગણતરી કરો કે, એક પશુમાલિક પાસેથી મહિને ૧૦ હજારનો હપ્તો અને ૧૦ હજારની બોનસની રકમ માંગવામાં આવી હતી. આ ૧૦ હજારનો હપ્તો લેતા ખુદ પોલીસ ઇન્સ્પેકટર પકડાઇ ગયા હતા.  અમદાવાદ શહેરમાં ૭૫ લાખ જેટલુ ગૌવંશ છે. ખાલી અંદાજે ગણો કે, માત્ર ૧૦ હજાર પશુમાલિકો  પાસે પણ દર મહિને પ્રતિ માલીક પાસે ૧૦ હજારનો હપ્તો લેવાતો હોય તો આ રકમ મહિને ૧૦ કરોડની થાય. શું ૧૦ કરોડની લુંટ માત્ર અધિકારીઓ કરી રહ્યા છે કે પછી હપ્તા છેક ભાજપના કાર્યાલય સુધી પહોચી રહ્યા છે? કમળાબહેનના આ વિધાન સામે ભાજપના કોર્પોરેટરો ઉભા થઇ ગયા હતા. તેમણે માફી માંગવા માટે સુત્રોચ્ચાર કર્યા હતો પણ કમળાબેન પોતાની વાત ઉપર મકકમ રહ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, જો ભાજપના કાર્યાલય સુધી હપ્તા નથી પહોચતા તો પછી સમગ્ર કાંડની તપાસ કેમ કરાવવામાં આવતી નથી? કમળાબહેન ચાવડાએ જણાવ્યુ હતુ કે, પો.ઇન્સપેકટર લાંચ લેતા રંગે હાથ પકડાય છતા ભાજપ શાસકો આ મુદ્દે તપાસ કરવાની તસ્દી લેતા નથી. શું  ભાજપના શાસકોની મીલીભગત હતી. આ મુદ્દો એટલા માટે જરૂરી છે કે, છેલ્લા એક દાયકાથી રખડતા ઢોર પકડવાના નામે જે નાટક ચાલી રહ્યુ છે અને જે હપ્તાખોરી વધી છે તે આખુ શહેર જાણે છે. પશુમાલિકોને ખબર છે કે સીએનસીડી ખાતાના અધિકારીઓના વહીવટદાર કોણ છે?

(3:05 pm IST)