Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

ગાંધીનગરમાં સે-17માં બાળ સંરક્ષણ ગૃહમાં સગીર વયના એક સાથે સાત બાળકો ભાગી જતા તપાસ હાથ ધરવામાં આવી

ગાંધીનગર : ગાંધીનગર શહેરના સે-૧૭માં આવેલા બાળ સંરક્ષણ ગૃહમાં સગીર વયના બાળકોને રાખવામાં આવે છે ત્યારે અગાઉ ત્રણ સગીર ભાગી જવાની ઘટના બની હતી ત્યારે આજે સે-ર૧ અને સે-૧૬ની શાળાએ ગયેલા સાત જેટલા સગીર બપોર સુધી પરત નહીં ફરતાં સંચાલકોએ શોધખોળ આદરી હતી. પરંતુ તેમનો કયાંય પતો લાગ્યો નહોતો. છેવટે આ મામલે સે-ર૧ પોલીસમાં જાણવાજોગ આપતાં આ બાળકોની શોધખોળ આદરી છે.   

ગાંધીનગર શહેરના સે-૧૭નું બાળ સંરક્ષણ ગૃહ છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં રહેલું છે. થોડા દિવસ અગાઉ અહીં રહેતાં ત્રણ સગીરો રાત્રીના સમયે ભાગી જવામાં સફળ રહયા હતા. જેમનો હજુ સુધી કોઈ પતો લાગ્યો નથી ત્યારે આજે વધુ સાત સગીર શાળાએ ગયા બાદ ભાગી જતાં દોડધામ મચી ગઈ છે. આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે સે-૧૭માં સંરક્ષણ ગૃહમાં રહેતા બાળકોને નજીકની શાળાઓમાં અભ્યાસ માટે મુકવામાં આવ્યા છે જે પૈકી સે-૧૬ની પ્રાથમિક શાળામાં ભણતો એક સગીર અને સે-ર૧ની શાળામાં ભણતાં છ સગીર રાબેતા મુજબ શાળાએ ગયા હતા ત્યારે શાળા છુટયાનો સમય પુર્ણ થઈ જવા છતાં અન્ય બાળકો પરત આવી ગયા હતા પરંતુ આ સાત બાળકો પરત નહીં આવતાં સંરક્ષણ ગૃહના સંચાલકોએ તેમની શોધખોળ આદરી હતી. શાળાએ પણ તપાસ કરવા પહોંચ્યા હતા પરંતુ બાળકો ત્યાં પણ મળી આવ્યા નહોતા.આખરે આ મામલે સે-ર૧ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે બાળકોના ગુમ થવા મામલે જાણવાજોગ નોંધી છે. સે-ર૧ પોલીસ ઈન્સ્પેકટર એમ.બી.ભરવાડે જણાવ્યું હતું કે સંચાલકોના જાણ કર્યા બાદ હવે બાળકોને શોધવા માટે મથામણ શરૃ કરવામાં આવી છે. શાળા આસપાસ લાગેલા સીસીટીવી ફુટેજ પણ ચકાસવામાં આવી રહયા છે. 

(5:45 pm IST)