Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

ખેડૂતોને રવી સીઝન માટે સિંચાઈની સુવિધા પૂરી પાડવા આગામી ૩૦મી ઓક્ટોબરથી પાણી અપાશે : પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો:મગફળી-ડાંગરની ટેકાના ભાવે ખરીદી માટે ૩૧ ઓક્ટોબર સુધી વધુને વધુ ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવે : મગફળીમાં ૨.૫૩ લાખ ખેડૂતો અને ડાંગરમાં ૩૭ હજાર ખેડૂતોએ કરાવ્યું રજિસ્ટ્રેશન: વણાટકામના કારીગરોને પ્રોત્સાહિત કરવા ખાદી ખરીદી માટે ૨૦ ટકા વળતર ત્રણ માસ સુધી અપાશે : શિક્ષણ વિભાગે એક જ દિવસમાં રૂ. ૪ કરોડની ખાદી ખરીદી: બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને સહાયરૂપ થવા રૂ.૫૦૦ કરોડની જોગવાઈ : વધુને વધુ વિદ્યાર્થીઓને લાભ લેવા અપીલ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તા. ૨૮ ઓક્ટોબરથી ત્રણ દિવસ જયારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ ૩૧મીએ ગુજરાતના પ્રવાસે

અમદાવાદ :પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકો અને ખેડૂતોને સહાયરૂપ થવા માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની અમારી સરકારે અનેકવિધ જનહિતલક્ષી નિર્ણય લીધા છે.

આજે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા મહત્ત્વના નિર્ણયની મીડિયાને વિગતો આપતા પ્રવક્તા મંત્રી વાઘાણી ઉમેર્યું કે, ખેડૂતોને મગફળી અને ડાંગરના પુરતા ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા આગામી તા. ૩૧ ઓક્ટોબર સુધી ટેકાના ભાવે મગફળી ઓનલાઇન નોંધણી કરવામાં આવનાર છે. અત્યાર સુધીમાં ટેકાના ભાવે મગફળી માટે ૨.૫૩ લાખ ખેડૂતોએ તેમજ ડાંગર માટે ગત વર્ષે ૩૩,૦૦૦ સામે આ વર્ષે ૩૭,૦૦૦ ખેડૂતોએ નોંધણી કરાવી છે. આગામી તા. ૩૧ ઓકટોબર સુધીમાં વધુમાં વધુ ખેડૂતોને ઓનલાઇન નોંધણી કરવાનો અનુરોધ પણ મંત્રીએ કર્યો હતો.
પ્રવકતા મંત્રીએ વધુમાં કહ્યું હતુ કે, રાજ્યના ખેડૂતોને રવિ-શિયાળુ પાક માટે આગામી તા.૩૦ ઓક્ટોબર-શનિવારથી સિંચાઇનું પાણી આપવામાં આવશે. રાજ્યમાં દક્ષિણ, મધ્ય, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જળાશયોમાં પાણીની ઉપલબ્ધતા મુજબ સિંચાઇનું પાણી ખેડૂતોને આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
મંત્રીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, ખાદીને વધુને વધુ પ્રોત્સાહન આપી નાના કારીગરોને આત્મનિર્ભર બનાવવા રાજ્યના શિક્ષણ વિભાગના કર્મચારીઓએ ગત તા. ૨૫ ઓક્ટોબરે સંયુક્ત રીતે એક જ દિવસે રૂા.૪ કરોડની ખાદી ખરીદી છે જે અંદાજે ૧.૧૭ લાખ મીટર થાય છે. આ બદલ મંત્રીશ્રીએ રાજ્યના કર્મચારીઓને અભિનંદન આપ્યા હતા.
તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રીએ ખાદીની ખરીદી ઉપર અપાતી ૨૦ ટકા વળતરની મુદતને તા. ૨ ઓક્ટોબરથી ૯૦ દિવસ માટે વધારવાની પણ આજે જાહેરાત કરી છે. જેનાથી ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશનના પ્રધાનમંત્રીના મંત્રને ચરિતાર્થ કરી શકાશે.
પ્રવક્તા મંત્રીએ સેવા સેતુની વિગતો આપતા કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રાજ્યભરમાં યોજાયેલા સાતમાં સેવા સેતુ કાર્યક્રમના પ્રથમ તબક્કામાં ૪.૩૦ લાખ લાભાર્થીઓને વિવિધ વિભાગોની ૫૬ જેટલી સેવાઓનો લાભ આપવામાં આવ્યો છે. આગામી સમયમાં યોજાનાર સેવા સેતુ કાર્યક્રમમાં વધુને વધુ લોકો વિવિધ સરકારી સેવાઓનો લાભ મેળવે તેવો પણ મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોને વાહન વ્યવહાર સંબંધી સેવાઓ ઓછા ખર્ચે અને વધુ સરળતાથી મળે તે માટે વિવિધ સેવાઓ ઓનલાઇન પૂરી પાડવામાં આવી રહી છે જે અંતર્ગત ડ્રાઇવિંગ લાઇસન્સ સંબંધિત ચાર સેવાઓ હવેથી ઈ-ગ્રામ કેન્દ્રો મારફતે પણ પૂરી પડાશે. રાજ્યના નાગરિકો ડુપ્લિકેટ ડ્રાઈવિંગ લાયસન્સ, ડ્રાઈવિંગ લાયસન્સનું રિન્યુઅલ, ડ્રાઈવિંગ લાયસન્સ ઈન્ફોર્મેશન અને ડ્રાઈવિંગ લાયસન્સ રિપ્લેશમેન્ટ એમ ડ્રાઈવિંગ લાયસન્સ સંબંધિત ચાર સેવાઓનો લાભ પંચાયતના ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી લઈ શકશે. નાગરિકો આ સેવાઓનો લાભ પંચાયતના ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી રૂ. ૨૦ના ટોકને લઈ શકશે. આ સિવાય સ્થળ પર જ જરૂરી દસ્તાવેજોની પૂર્તતા અંગે માર્ગદર્શન પણ અપાશે.
મંત્રી વાઘાણીએ ઉમેર્યું કે, બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને આર્થિક રીતે સહાયરૂપ થવા માટે રાજ્ય સરકાર દ્વારા બિન અનામત આર્થિક વિકાસ નિગમની રચના કરવામાં આવી છે. આ આયોગ દ્વારા દર વર્ષે હજારો વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે, JEE, NEET માટે કોચિંગ લોન, વિદેશ અભ્યાસ લોન સહિતની સહાય પૂરી પાડવામાં આવે છે. આ માટે રાજ્ય સરકારે આ વર્ષે પણ રૂ.૫૦૦ કરોડની જોગવાઈ કરી છે જેનો વધુને વધુ વિદ્યાર્થીઓને લાભ લેવા તેમણે અપીલ કરી હતી. આ માટે વિદ્યાર્થીઓએ તા. ૨૧ નવેમ્બર ૨૦૨૧થી તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ સુધી ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે.
મંત્રી  વાઘાણીએ રાષ્ટ્રપતિના ત્રિદિવસીય ગુજરાત પ્રવાસની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું તારીખ ૨૮ ઓક્ટોબરે અમદાવાદ આગમન થશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ  રાજભવન-ગાંધીનગર આવશે. સાંજે રાજભવન ખાતે હાઈકોર્ટના ન્યાયાધીશો સાથે શુભેચ્છા મુલાકાત કરશે અને રાજ ભવન ખાતે જ રાત્રી રોકાણ કરશે. રાષ્ટ્રપતિ તારીખ ૨૯ ઓક્ટોબરે સવારે રાજભવનથી ભાવનગર જવા રવાના થશે. ભાવનગરના તલગાજરડા ખાતે પૂ.મોરારિબાપુના આશ્રમની મુલાકાત લેશે અને ભાવનગર ખાતે ૧૦૮૮ જેટલા EWS-PM આવાસોનું લોકાર્પણ કરશે. આ વેળાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. તારીખ ૩૦મી ઓકટોબરે રાષ્ટ્રપતિ દિલ્હી જવા રવાના થશે.
મંત્રી વાઘાણીએ કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી  અમિતભાઈ શાહના ગુજરાત પ્રવાસ સંદર્ભે માહિતી આપતા કહ્યું કે, ગૃહમંત્રી અમિતભાઈ શાહ તારીખ ૩૧ ઓક્ટોબર-રાષ્ટ્રીય એકતા દિવસની સ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડિયા ખાતે યોજાનાર રાષ્ટ્રીયકક્ષાની ઉજવણીમાં સહભાગી થશે. ત્યારબાદ આણંદ ખાતે અમૂલ ડેરીના ૭૫ વર્ષની ઉજવણી સંદર્ભે નિર્માણ પામેલ ડો.કુરિયન સંગ્રહાલયનું લોકાર્પણ કરશે. આ વેળાએ કેન્દ્રિય પશુપાલન મંત્રી પુરુષોત્તમ રૂપાલા તથા કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી ઉપસ્થિત રહેશે.
પ્રવકતા મંત્રીએ ઉમેર્યું કે રાજ્ય સરકારના કોઈપણ વિભાગના કર્મચારીઓને તેમને મળવાપાત્ર લાભો નિયમોનુસાર પૂરા પાડવા માટે સરકારનું મન હર હંમેશ ખુલ્લું છે. રાજ્યમાં ચાલી રહેલાં પોલીસ કર્મચારીઓના આંદોલન સંદર્ભે તેમણે કહ્યું કે ગૃહ રાજ્ય મંત્રી દ્વારા તેમની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે એ અંગે પણ હકારાત્મક અભિગમ દ્વારા નિર્ણય કરાશે.
તેમણે ઉમેર્યું કે રાજ્યમાં થયેલા ભારે વરસાદને કારણે જે જિલ્લાઓમાં નુકસાન થયું છે ત્યાં પ્રથમ તબક્કામાં પેકેજ જાહેર કરાયું છે અને બાકી રહેલા જિલ્લાઓની સર્વેની કામગીરી ચાલુ છે જે પૂર્ણ થયે આગામી સમયમાં સહાય જાહેર કરાશે.

(7:43 pm IST)