Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

અમદાવાદના લો-ગાર્ડન પાસે તહેવાર ટાળે જ પોલીસે પથારણા બંધ કરાવતા વેપારીઓમાં રોષ: ભુખ હડતાલ

પોલીસ અધિકારીએ મિત્રના કહેવાથી બજાર બંધ કરાવ્યાનો પાથરણાવાળાનો આક્ષેપ

અમદાવાદ :શહેરના લો-ગાર્ડન પાસે નેશનલ હેન્ડલૂમની ગલીમાં લગાવવામાં આવતા પથારણા પોલીસ દ્વારા બંધ કરાવવામાં આવતા વેપારીઓ દ્વારા આજથી ભૂખ હડતાળ કરવામાં આવી છે. પથારણાવાળાઓ દ્વારા પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પોલીસ અધિકારીએ મિત્રના કહેવાથી બજાર બંધ કરાવ્યા છે.

આગામી સમયમાં દિવાળીના તહેવાર આવી રહ્યો છે. તમામ નાના મોટા વેપારીઓ દ્વારા પોતાની દુકાનમાં માલ એકઠો કરી ધંધો કરવામાં આવી રહ્યો છે. ત્યારે લો- ગાર્ડન પાસે છેલ્લા કેટલાક વર્ષોથી પથારણાઓ લગાવવામાં આવતા હોય છે અને પોલીસ દ્વારા દિવાળીના સમયે જ આ લોકોના પથારણા બંધ કરાવવામાં આવતા વેપારી આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લો-ગાર્ડનના વેપારીઓ દ્વારા આજથી ભૂખ હડતાળ કરવામાં આવી છે અને પોલીસ પર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. વેપારીઓએ પોલીસ પર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, ગલીમાં આવેલા ફ્લેટમાં ઉચ્ચ પોલીસ અધિકારીના મિત્રએ પાથરણા બજારને કારણે ટ્રાફિક થતો હોવાનું કહીને બજાર બંધ કરાવ્યું છે

 

આ અંગે લારી ગલ્લા એસોસિએશનના પ્રમુખ રાકેશ મહેરિયાએ જણાવ્યું હતું કે નેશનલ હેન્ડલૂમ ગલીમાં 27 જેટલા પાથરણાવાળા વેપાર કરે છે. છેલ્લા 55 દિવસથી અમારા રોજગાર ધંધા પોલીસે બંધ કરાવ્યા છે. જેથી અમે 10 લોકો ભૂખ હડતાળ પર ઉતર્યા છીએ. પોલીસ કમિશનરના મિત્ર આ ગલીમાં ફ્લેટમાં રહે છે તેમન કહેવાના કારણે તેઓએ અમારા ધંધા રોજગાર બંધ કરાવ્યા છે. અમે અનેક વખત સાહેબને મળવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ મળતા નથી. અમે ગૃહમંત્રીને પણ મળ્યા છતાં તેઓએ જવાબ નથી આપ્યો. ઘર અને દાગીના ગીરવે મૂકી અને માલસામાન ભર્યો છે ત્યારે આવા શ્રમજીવી લોકોના રોજગાર ધંધા શરૂ કરવા દેવામાં આવે તેવી માંગ છે.

 

એક વેપારીના દિકરાએ જણાવ્યું છે કે, આ પથારણાના કારણે અમારુ ઘર ચાલે છે અને તેના લીધે જ મારા પપ્પા મારા સ્કુલની ફી ભરી મને ભણાવે છે. જો કે, છેલ્લા 50-55 દિવસથી ધંધો બંધ હોવાના કારણે અમારા ભણતર પર અસર પડે છે અમારી ફી ભરવાની બાકી છે. શનિ-રવિવારે આજે પણ આ ગલીમાં વાહન પાર્ક થાય છે ત્યારે કોઈ પોલીસને ટ્રાફિક દેખાતો નથી. ભદ્ર બજારમાં પણ ખૂબ ટ્રાફિક થાય છે ત્યાં બજાર બંધ કેમ પોલીસ નથી કરાવાતી? શહેરમાં અનેક જગ્યાએ આવા બજાર ચાલે છે અને ટ્રાફિક થાય છે તો પોલીસ કેમ તેમાં ધ્યાન નથી આપતી?

 

(8:01 pm IST)