Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

શહેરમાં ભદ્ર પાથરણા બજાર બંધ કરાવી દેવાયું

કોરોનાનો કહેર વધતા તંત્ર જાગ્યું

અમદાવાદ, તા. ૨૬ : દિવાળીના તહેવારો બાદ શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો હોઈ બુધવારે શહેરના સૌથી મોટા બજાર ગણાતા ભદ્ર પાથરણા બજારને સંપૂર્ણ બંધ કરાવી દેવામાં આવ્યું છે. બુધવારે સવારે જ પોલીસ અને મ્યુનિ. કોર્પોરેશને એક પણ પાથરણાવાળાને બેસવા દીધા ન હતા. આગામી દિવસોમાં પણ આ જ સ્થિતિ રહેશે. દિવાળીના તહેવારોમાં ભદ્ર પાથરણા બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. હવે કેસો વધી રહ્યા છે ત્યારે વધુ સંક્રમણ ન ફેલાય તે માટે ત્રણ દરવાજાથી લઈને ભદ્ર કાળી મંદિર સુધીના તમામ પાથરણા બંધ કરાવી દેવાયા છે.

દિવાળીના તહેવારોમાં ભદ્ર પાથરણા બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. તહેવારો પૂર્ણ થયા બાદ શહેરમાં કોરોના વિસ્ફોટ થતાં સરકારને અમદાવાદમાં ૫૭ કલાકનો કરફ્યૂ લાદવાની ફરજ પડી હતી. આ કરફ્યૂ પૂર્ણ થયા બાદ ભદ્ર પાથરણા બજાર પણ રાબેતા મુજબ શરૂ થઈ ગયું હતું. બે દિવસ સુધી સતત પાથરણા બજાર ચાલુ રહ્યા બાદ બુધવારે આ પાથરણા બજાર બંધ કરાવી દેવામાં આવ્યું છે. બુધવારે સવારે જ પોલીસ અને મ્યુનિ. તંત્ર દ્વારા ત્રણ દરવાજાથી લઈને ભદ્ર સુધીમાં એક પણ પાથરણા લાગવા દીધા ન હતા.

(9:12 pm IST)