Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

અમદાવાદની સોલા સિવિલમાં કોરોના રસીની ટ્રાયલ :1 મહિલા અને 4 પુરુષને રસી અપાઈ

રસી માટે 18-60 વર્ષના સ્વસ્થ વ્યક્તિઓની પસંદગી કરાઈ

અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલની કોરોના રસીની ટ્રાયલ માટે પસંદગી કરવામાં આવી છે. સોલા સિવિલના તબીબી અધિકારીઓએ કોરોના રસીની ટ્રાયલ અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, રસી માટેની તમામ પ્રકારની ફોર્માલિટી એક અઠવાડિયામાં પુરી કરી દેવાઇ હતી. એથીકલ કમિટી પાસેથી પહેલેથી મંજૂરી મેળવવામાં આવી હતી. સૌપ્રથમ એક વ્યક્તિને કોરોનાની રસી આપવામાં આવી હતી. ત્યારબાદ 4 વ્યક્તિને કોરોનાની રસી આપવામાં આવી છે. એટલે કે કુલ 5 વ્યક્તિને કોરોનાની રસી આપવામાં આવી છે. જેમાંથી એક મહિલા અને ચાર પુરુષનો સમાવેશ થાય છે

આ રસી 18 થી 60 વર્ષ સુધીના તંદુરસ્ત વ્યક્તિઓને જ આપવામાં આવશે. એ માટે હોસ્પિટલની ઓપીડીમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ રસીની ટ્રાયલ પ્રક્રિયા એક લાંબી પ્રક્રિયા છે. જેમા પહેલો ડોઝ આપ્યા પછી 28 દિવસ પછી બીજો ડોઝ આપવામાં આવશે. આ પહેલા વ્યક્તિના તમામ મેડિકલ રિપોર્ટ કરવામાં આવશે. કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે. તેમજ રસી આપ્યા બાદ પણ અગત્યના ટેસ્ટ કરવામાં આવશે. સંપૂર્ણ રીતે 100 જેટલા વ્યક્તિઓ ઉપર ટ્રાયલ કરવાનું તેમનું લક્ષ્ય છે.
 રસીના ટ્રાયલ માટે વોલન્ટિયર્સે રજિસ્ટ્રેશન પણ કરાવવાનું શરૂ થઈ ગયું છે. 15-20 જેટલા લોકોની ઇન્કવાયરી પણ આવી છે. આ રસીનો ટ્રાયલ સમય એક વર્ષ સુધી હશે, જેથી તેનો ઊંડાણ પૂર્વક અભ્યાસ થઈ શકે. રસી આપાયા બાદ અડધો કલાક સુધી વોલન્ટિયર્સને હોસ્પિટલમાં જ મોનીટર કરાશે, ત્યારબાદ તેને ઘરે મોકલવામાં આવશે. 24 કલાકમાં તેમને ફોન કરીને કોઈ તકલીફ હોય તો તે વિશે પુછવામાં આવશે. ત્યારબાદ 15 દિવસે ફોન કરવામાં આવશે અને જો તેમને કોઈ તકલીફ હોય તો સામેથી પણ ફોન કરી શકશે. રસી આપતા પહેલા જે-તે વ્યક્તિની મેડિકલ હિસ્ટ્રી પણ ચેક કરવામાં આવે છે.

ભારત બાયોટેક કંપની દ્વારા વિકસાવવામાં આવેલા રસી આત્મનિર્ભર રસી તરીકે પણ ઓળખાય છે. વિશ્વમાં જે કોવિડ રસીઓનું ટ્રાયલ થયું છે, તેમાં સૌથી શ્રેષ્ઠ રસીનું 95- 96 ટકા જેટલું રિઝલ્ટ આવ્યું છે. ત્યારે આ રસીથી પણ ભારતના વૈજ્ઞાનિકો અને તબીબોને ખાસી આશા છે. સોલા સિવિલ દ્વારા રસીની ટ્રાયલના વોલન્ટિયર્સ રજીસ્ટ્રેશન માટે એક સ્પેશિયલ નંબર જાહેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં સોલા સિવિલમાં કુલ 500 નંગ રસીનો જથ્થો આવ્યો છે. રસીનો એક ડોઝ 0.5 ml જેટલો હોય છે

(2:56 pm IST)