Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

પંચાયતો - કોર્પોરેશનની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજવાની તૈયારી

કોરોના હળવો પડતાની જ રાહ : ચૂંટણી પંચે ફરી તૈયારીને વેગ આપ્યો : મતદાન મથક પર માસ્ક, સેનિટાઇઝેશન, હાથના મોજાની વ્યવસ્થા : પરિસ્થિતિની સતત સમીક્ષા

રાજકોટ, તા. ૨૭ :. રાજયમાં તાલુકા-જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ તેમજ રાજકોટ, ભાવનગર, જામનગર, અમદાવાદ, સુરત અને વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી નવેમ્બરમાં યોજાવા પાત્ર હતી તે કોરોનાના કારણે ચૂંટણી પંચે ૩ મહિના મોકુફ જાહેર કરી છે. દિવાળી પછી વધેલુ કોરોનાનુ સંક્રમણ ડીસેમ્બર પ્રારંભે ઘટવાની ધારણા છે. રાજ્ય ચૂંટણી પંચે ફરી ચૂંટણીની તૈયારીને વેગ આપ્યો છે. કોરોના હળવો પડે તો જાન્યુઆરી અંત અથવા ફેબ્રુઆરી ૨૦૨૧ના પ્રારંભે બે તબક્કે ચૂંટણી યોજવાની ચૂંટણી પંચની તૈયારી હોવાનું જાણવા મળે છે. આખરી નિર્ણય કોરોનાની પરિસ્થિતિના આધારે થશે.

અત્યારે રાજ્યમાં દરરોજ ૧૫૦૦થી વધુ કોરોનાના કેસ જાહેર થઈ રહ્યા છે. ૩ નવેમ્બરે ૮ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી વખતે કોરોનાના કેસ ૧૦૦૦ની અંદર હતા તેવી અનુકુળતા થાય તો કોરોનાની નિયમોના પાલન સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ શકે છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા હાલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે.

૧૩ ડીસેમ્બર સુધી તે અંગેની ઝુંબેશ છે. તા. ૧૫ જાન્યુઆરીએ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે. મતદાર યાદી સબંધી સંકલન માટે કેન્દ્રીય ચૂંટણી પંચના ગુજરાત એકમ અને રાજ્ય ચૂંટણી પંચના અધિકારીઓ વચ્ચે ટૂંક સમયમાં બેઠક યોજાનાર છે. રાજ્ય ચૂંટણી પંચે પ્રાથમિક મતદાર યાદી અગાઉ બહાર પાડી દીધી છે. આગળનો કાર્યક્રમ હવે પછી જાહેર થશે.

ચૂંટણી પંચ દ્વારા મતદાન મથકો નક્કી કરવા સહિતની કામગીરી ચાલી રહી છે. તમામ ચૂંટણી અધિકારીઓની નિમણૂંક થઇ ગઇ છે. મતદાન મથક પર અવિલોપ્ય શાહી, માસ્ક, સેનિટાઇઝનેશન, હાથના મોજા વગેરેની ખરીદી માટેની પ્રક્રિયા ચાલી રહી છે. સામાન્ય રીતે ચૂંટણી પંચ મતદાનના એકથી દોઢ માસ અગાઉ ચૂંટણી કાર્યક્રમે જાહેર કરતું હોય છે.

જો ચૂંટણી ૩ માસથી વધુ સમય મોકુફ રાખવાની ન હોય તો ફેબ્રુઆરી અંત સુધીમાં યોજી લેવા પાત્ર છે. ડીસેમ્બર ઉતરાર્ધ કે જાન્યુઆરી પ્રારંભે જાહેરાત થઇ શકે છે. ચૂંટણી પંચ દ્વારા નિર્ણય લેતા પૂર્વે આરોગ્ય, ગૃહ વગેરે વિભાગો સાથે બેઠકો યોજી પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે.

(2:56 pm IST)