Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

સંવિધાન દિવસે વિરમગામનુ ઐતિહાસિક મુનસર તળાવ ૧૧૭૧ દિવડાઓથી ઝળહળી ઉઠ્યું

દિવાથી ઝળહળતા મુનસર તળાવને નિહાળવા શહેરીજનો ઉપરાંત બહારગામથી લોકો ઉમટી પડ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :  ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારત દેશ આઝાદ થયો અને બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડૉ.બાબાસાહેબ આંબેડકર દ્વારા ૨ વર્ષ ૧૧ મહિના ૧૮ દિવસની મહેનત બાદ ભારત દેશનું બંધારણ તૈયાર કરી તારીખઃ-૨૬/૧૧/૧૯૪૯ના દિવસે ડૉ.રાજેન્દ્ર પ્રસાદને વિશ્વનું સૌથી લાંબુ બંધારણ આપી દેશને અર્પણ કર્યુ હતુ. વિરમગામ ખાતે સંવિધાન દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. વિરમગામ માંડલ દેત્રોજ સર્વ સમાજ દ્વારા તારીખઃ-૨૬/૧૧/૨૦૨૧ને શુક્રવારે બંધારણ દિવસ નિમિત્તે વિરમગામના ઐતિહાસીક મુનસર તળાવ ફરતે ૧૧૭૧ દિવા પ્રાગટાવવામાં આવ્યા હતા. દિવાથી ઝળહળતા મુનસર તળાવને નિહાળવા શહેરીજનો ઉપરાંત બહારગામથી લોકો ઉમટી પડ્યા હતા. લોકોએ ઝળહળતા મુનસર તળાવની તસવીરો મોબાઇલમાં લીધી હતી તેમ કિરીટભાઈ રાઠોડે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઐતિહાસિક મુનસર તળાવ ની ફરતે 360 થી વઘુ શિવલિંગ સ્થાપિત દેરીઓ (મંદિરો) હતી જ્યાં એક સાથે સાંકળ થી ઘંટનાદ થતો હતો. દરવર્ષે દેવદિવાળીના દિવસે મોડી સાંજે થી ઐતિહાસિક મુનસર તળાવ ફરતે દિવાઓ પ્રજ્વલિત કરવામાં આવે છે અને સમગ્ર વાતાવરણ આહલાદક બની જાય છે.

(9:09 pm IST)