Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

સુરત : બુલેટ ટ્રેન સ્ટેશન નજીકના વિસ્તારોના વિકાસનું આયોજન :જાપાન એમ્બેસીના કાઉન્સિલરે લીધી મુલાકાત

મનપા કમિશનર અને સુડા ચેરમેન બંછાનીધી પાનીની અધ્યક્ષતામાં સુડાના અધિકારીઓ અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે સંકલિત મિટિંગ યોજાઈ

સુરત :જાપાન એમ્બેસીના કાઉન્સિલર કાજુહિરો કીયૉસે સાથે સુરત મનપા કમિશનર અને સુડા ચેરમેન બંછાનીધી પાનીની અધ્યક્ષતામાં સુડાના અધિકારીઓ અને સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ સાથે સંકલિત મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં સુરત શહેર નજીક સાકાર થનાર બુલેટ ટ્રેન સ્ટેશનની આસપાસના વિસ્તારોની વિકાસ યોજનામાં ઉલ્લેખિત આયોજનની વિગતો તેમજ સૂચિત સ્ટેશન વિસ્તારમાં તથા તેને લાગુ વિસ્તારમાં આયોજિત થનાર નગર રચના યોજનાઓની આયોજનલક્ષી વિગતો અંગે કીયૉસેને માહિતગાર કરવામાં આવ્યા હતા. 

આ સિવાય સરકાર દ્વારા પ્રસિદ્ધ કરેલ ટોલ બિલ્ડીંગ પોલિસી અંતર્ગત 100 મીટર થી વધુ ઊંચાઈની ગગનચુંબી ઇમારતોના આયોજન તથા નિર્માણ અંગે પણ તેઓને માહિતગાર કરેલ તથા બુલેટ ટ્રેન સ્ટેશનની આસપાસ આવી ઇમારતોના આયોજન માટે તૈયાર કરવામાં આવેલા આયોજન સંદર્ભે પણ વધારે ચર્ચા વિચારણા કરવમાં આવી હતી

 

વધુમાં ટ્રાન્ઝિટ ઓરિયેન્ટલ ડેવલપમેન્ટ ના કન્સેપટ મુજબ આ વિસ્તારમાં વિકાસ કરવા માટે સુડા તથા સુરત મહાનગરપાલિકા કટિબદ્ધ છે તે મુજબ જણાવીને મલ્ટીમોડેલ ટ્રાન્સપોર્ટના આયોજન મુજબ મેટ્રો, રેલવે, બીઆરટીએસ તથા સીટી બસ સર્વિસને બુલેટ ટ્રેન રેલવે સ્ટેશન સાથે સાંકળીને સંકલિત આયોજન પણ કરવામાં આવવાનું છે. જેની પણ જાણકારી જાપાનના એમ્બેસીના કાઉન્સિલરને આપવામાં આવી હતી.

આમ જાપાન કે જે બુલેટ ટ્રેન દોડાવવા માટે અગ્રેસર રહ્યું છે તેના અનુભવોના આધારે સુરત શહેર નજીક સાકારિત થનારા બુલેટ ટ્રેન સ્ટેશનની આસપાસના વિસ્તારોના ડેવલપમેન્ટ અને ભવિષ્યના આયોજન પર કેવી રીતે આગળ વધી શકાય તે બાબતે ચર્ચા વિચારણા હાથ ધરવામાં હાથ ધરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં બંને દેશના ટેક્નિકલ ઓફિસરોની પણ મદદ તેના માટે લેવામાં આવશે.

આ સિવાય કીયૉસે દ્વારા જાપાનના વિવિધ શહેરોમાં બુલેટ ટ્રેનની આસપાસ થયેલા વિકાસની વિગતોથી ઉપસ્થિત બધા જ અધિકારીઓને પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. ચર્ચાના અંતમાં જાપાનમાં બુલેટ ટ્રેન સ્ટેશન બન્યા બાદ થયેલા વિકાસના અનુભવોને ધ્યાનમાં રાખીને સુરત શહેરમાં પણ બુલેટ ટ્રેન સ્ટેશનની આસપાસના વિસ્તારનું આયોજન કઈ રીતે વધુ સારું થઇ શકે તે બાબતે આગામી દિવસોમાં ફરીથી બન્ને દેશોના ટેક્નિકલ ઓફિસરો દ્વારા માહિતીની આપ લે કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

(10:31 pm IST)