Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

પંચમહાલ જિલ્લામાં શ્રી ગોપાળાનંદસ્વામીબાપાની ૨૧૪ મી ભાગવતી મહાદીક્ષા જયંતી ઉજવાઇ..

યોગીન્દ્રવર્ય શ્રી ગોપાળાનંદ સ્વામીના દર્શન માત્રથી તમામ દુઃખો ટળી જાય' નાનપણથી ગોપાળાનંદ સ્વામી પાસે અનહદ ઐશ્વર્ય તેમની પાસે હિન્દુ, હોય કે પારસી જે કોઈ રડતાં આવે તે હસતાં જતા, ગમે તેવાં આલોકનાં દુઃખો તેમનાં દર્શન માત્રથી ટળી જતાં.

અઢારમી સદીમાં જનસમાજની ઉર્ધ્વગતિ કરવામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પ્રદાન મુખ્યત્વે રહયું છે. તેમણે બનાવેલા ૩૪૦૦ જેટલા સંતોએ ટૂંકાગાળામાં ગુજરાતની ધરતી ઉપર ગામડે-ગામડે વિચરણ કરીને ધૂળમાં પોતાનું આખું આયખું ઘસી નાંખ્યું છે. આ સમગ્ર જહેમતમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન પછી સૌથી વધુ ફાળો તેમના સંતમંડળના શ્રીજી સંકલ્પ મૂર્તિ શ્રી ગોપાળાનંદ સ્વામીનો રહયો છે. અને એટલે જ શ્રી સ્વામિનારાયણ ભગવાને સર્વે સંતો - હરિભકતો - આચાર્યો સર્વેના સર્વાધ્યક્ષ તરીકે શ્રી ગોપાળાનંદ સ્વામીને નિમ્યા હતા, અને તે સર્વએ તેમની આજ્ઞામાં રહેવું એમ સૌને આજ્ઞા કરી હતી.

ગોપાળાનંદ સ્વામીનું પ્રાગટ્ય સંવત્‌ ૧૮૩૭ની મહા સુદ - આઠમને સોમવારના રોજ ટોરડા ગામે થયું હતું. નાનપણથી જ તેમણે અનહદ ઐશ્વર્ય તેમની પાસે હિન્દુ, હોય કે પારસી જે કોઈ રડતાં આવે તે હસતાં જતા, ગમે તેવાં આલોકનાં દુઃખો તેમનાં દર્શન માત્રથી ટળી જતાં. ગમે તેવા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આદિ દોષો હોય તે તેમની દૃષ્ટિ માત્રે નિવૃત્તિ પામી જતા. તેમની પાસે મૂંગા બાળકો બોલતા થઈ જતા હતા.

સંવત્‌ ૧૮૬૪ના કાર્તિક માસની કૃષ્ણપક્ષની અષ્ટમીએ તેમને ગઢપુરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાને દીક્ષા આપી હતી. સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ જીવન પર્યંત સત્સંગની ખૂબ જ સેવા કરી છે. ૨૨ વર્ષ સુધી શ્રીજીમહારાજની સાથે રહી સેવા કરી છે અને ૨૨ વર્ષ સુધી શ્રીજીમહારાજ અંતર્ધાન થયા પછી સત્સંગને સાચવ્યો છે. એવા શ્રીજીસંકલ્પ મૂર્તિ શ્રી ગોપાળાનંદ સ્વામીને આજે મહાસુદ આઠમના રોજ પ્રગટ થયે ર૩૯ વર્ષ પૂર્ણ થાય છે તો આપણે તેમના ચરણોમાં કોટી – કોટી વંદન કરીએ અને તેમનો મહિમા સમજીએ અને તેમને આપેલા જ્ઞાનને જીવનમાં ઉતારી કૃતાર્થ બનીએ.

આવા શ્રીજીસંકલ્પ મૂર્તિ શ્રી ગોપાળાનંદ સ્વામીનો સમાગમ સૌ કોઈ સંપ્રદાયના હરિભકતો તો શું ? મોટા - મોટા સંતો પણ પોતાનું અહોભાગ્ય માનીને કરતા હતા.

જૂનાગઢના મહંત ગુણાતીતાનંદ સ્વામી જેવા ગુણાતીતાનંદ સ્વામીને જ્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાને જૂનાગઢની મહંતાઈ સોંપી ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે કે હું મહંતાઈનો હાર તો જ પહેરું કે જો ગોપાળાનંદ સ્વામી તેમની દિવ્યવાણી - સમાગમનો લાભ બાર મહિનામાં એક માસ આપે. જો કોઈ વર્ષે ન અવાય તો બીજા વર્ષે બે માસ આવે. મહાપ્રભુએ આ વાત કબૂલ રાખી અને પછીથી કાયમ ગોપાળાનંદ સ્વામી પ્રતિ વર્ષ જૂનાગઢ ગુણાતીતાનંદ સ્વામીને સમાગમનો લાભ આપવા પધારતા હતા. આવા ગોપાળાનંદ સ્વામીએ સંપ્રદાયમાં સાહિત્ય ક્ષેત્રે પણ અણમોલ સેવા કરી છે. તેમણે ૨૫ થી પણ વધુ શાસ્ત્રોની રચના કરી છે.

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત પંચમહાલ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં યોગિન્દ્રવર્ય શ્રી ગોપાળાનંદ સ્વામીની ૨૧૪ મી ભાગવતી મહાદીક્ષા જયંતી ઉજવાઇ હતી. પૂજનીય સંતોએ પ્રસંગોચિત અનેક દષ્ટાંત સહ વિવેચન કરવામાં આવ્યા હતા.

(3:07 pm IST)