Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

બોરસદ તાલુકાના સીસ્વા ગામ નજીક ઇકો કારે બાઇકને હડફેટે લેતા ચાલકનું ગંભીર ઇજાથી મોત

આણંદ:જિલ્લાના બોરસદ તાલુકાના સીસ્વા ગામ નજીક ગતરોજ રોજ એક ઈકો કારે મોટરસાયકલને અડફેટે લેતા મોટરસાયકલ ચાલક ઉછળીને રોડ ઉપર પટકાયો હતો. આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનું ગંભીર ઈજાઓ થવાના કારણે કરૂણ મોત નીપજ્યું હતું.

બોરસદ તાલુકાના ભાદરણીયા ગામે પ્રાથમિક શાળા નજીક રહેતા ભાવેશભાઈ ગોરધનભાઈ ઠાકોર ગઈકાલે મોટરસાયકલ ઉપર સવાર થઈ સીસ્વા ગામે જવા નીકળ્યા હતા. તેઓની મોટરસાયકલ સીસ્વા ગસ્ની સીમમાંથી પસાર થઈ રહી હતી ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલ એક ઈકો કારના ચાલકે પોતાની કાર પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી મોટરસાયકલને ટક્કર મારી હતી. કારની ટક્કર વાગતાં જ ભાવેશભાઈ ઉછળીને રોડ ઉપર પટકાયા હતા. આ અકસ્માતમાં તેઓને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ૧૦૮ને જાણ કરતા ઈમરજન્સી વાન પણ તુરંત જ ઘટના સ્થળે આવી પહોંચી હતી. દરમ્યાન ૧૦૮ના તબીબે ભાવેશભાઈને તપાસની મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ગોરધનભાઈ ઠાકોરે ભાદરણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઈકો કારચાલક વિરૂધ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:05 pm IST)