Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

અમદાવાદમાં મુસ્લિમ ફાઇટર્સ કલબે આમ આદમી પાર્ટીમાં જોડાણ કર્યું: મુસ્લિમ ફાઈટર્સના હોદ્દેદારોએ હાથમાં ઝાડું લીલુલીલુ આપ-મુસ્લિમ ઇલું ઇલું નો નારો આપ્યો

મુસ્લિમ વૉટર્સ માટે મેગીનો વિકલ્પ જાહેર કર્યો છે, જેમાં M ફોર મનીષ સીસોદીયા, A ફોર અરવિંદ કેજરીવાલ, G ફોર ગોપાલ ઇટાલિયા અને I ફોર ઇસુદાન ગઢવી

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે હજુએ રાજકીય પક્ષો દ્વારા મતદારોને રિઝવવાના પ્રયાસ થઈ રહ્યા છે. તેવામાં અમદાવાદમાં મુસ્લિમ ફાઇટર્સ કલબે આમ આદમી પાર્ટીમાં જોડાણ કર્યું છે અને મુસ્લિમ ફાઈટર્સના હોદ્દેદારોએ હાથમાં ઝાડું લીલુલીલુ આપ-મુસ્લિમ ઇલું ઇલું નો નારો આપ્યો છે.

ગુજરાત વિધાનસભાની આ વખતની ચૂંટણી ખૂબ ચર્ચામાં છે. આ વખતે મુસ્લિમ મતો ઘણા રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે તો કોઈ પક્ષનો ખેલ બનાવી પણ શકે છે. તેવામાં એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ચાલતી મુસ્લિમ ફાઇટર્સ કલબે આપ પાર્ટી સાથે જોડાણ કર્યું છે અને હાથમાં ઝાડું લીલુલીલુ આપ-મુસ્લિમ ઇલું ઇલુંનો નારો આપ્યો છે. સાથે જ મુસ્લિમ વૉટર્સ માટે મેગીનો વિકલ્પ જાહેર કર્યો છે. જેમાં M ફોર મનીષ સીસોદીયા, A ફોર અરવિંદ કેજરીવાલ, G ફોર ગોપાલ ઇટાલિયા અને I ફોર ઇસુદાન ગઢવી.

મુસ્લિમ ફાઇટર કલબના આગેવાન ઇમરાનખાન પઠાણે જણાવ્યું કે, જે પ્રકારે આમ આદમી પાર્ટીએ દિલ્હી અને પંજાબમાં લોકોને સુવિધાઓ આપી છે તે સુવિધાઓ હજુ સુધી કોઈ સરકારે આપી નથી. અમને લાગે છે કે, મુસ્લિમ લોકોનું ભવિષ્ય આપ બનાવી શકે છે. એટલે આપ સાથે જોડાયા છીએ. માત્ર વેજલપુર બેઠક નહિ રાજ્યની વિવિધ બેઠકોમાં પણ મુસ્લિમ મતદારોને જાગૃત કરીશું.

તેઓએ એમ પણ ઉમેર્યું કે, અમારી મુસ્લિમ ફાઈટર્સ કલબ સાથે 3 હજાર પરિવાર જોડાયેલા છે. એટલે 3 હાજર મુસ્લિમોનો આપને ટેકો હોવાનો દાવો તેમણે કર્યો છે. તો બીજીતરફ આ કાર્યક્રમમાં વેજલપુર વિધાનસભા બેઠકના આપના ઉમેદવાર કલ્પેશ પટેલના પિતરાઈ ભાઈ પરાગ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

તેઓએ જણાવ્યું કે, કલ્પેશ પટેલ તેમની તબિયત સારી નહિ હોવાથી આવી શકયા નથી. પણ તેઓએ મુસ્લિમોનો આપમાં જોડવા બદલ આભાર માન્યો હતો.

(1:08 pm IST)