Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

નર્મદાની પરિક્રમા શરૂ: હિમાચલના ડિજિટલ બાબાના નામે ઓળખાતા સ્વામી રામશંકર અંકલેશ્વરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા

ડીજીટલ બાબા નર્મદા પરિક્રમાની સાથે સાથે યુવાનોને ભારતીય સંસ્કૃતિ પરત્વે સોશિયલ મીડિયા થકી જાગૃત કરી રહ્યા છે અને યુવાનોને આધ્યાત્મનું મહત્વ સમજાવી રહ્યા છે

નર્મદા: નર્મદાની પરિક્રમા શરૂ થઈ જવા સાથે હજારો સાધુ, સંતો, યુવાઓ, મહિલાઓ પરિક્રમાવાસી બની યાત્રા કરી રહ્યા છે. ત્યારે હિમાચલના ડિજિટલ બાબાના નામે ઓળખાતા સ્વામી રામશંકર અંકલેશ્વરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
ભારતમાં એમ તો અનેકો પ્રકારના સાધુ સંતો હોય છે. જે પોતાની કથા, પ્રવચન અને બીજા કાર્યો થકી પોતાની ઓળખ બનાવે છે. પરંતુ નર્મદા પરિક્રમા કરીને પણ એક સંતે પોતાની નામના ડીજીટલ બાબાના રૂપે કરી છે. જે યુવાન હોવા છતાં પણ નર્મદા પરિક્રમાની સાથે સાથે યુવાનોને ભારતીય સંસ્કૃતિ પરત્વે સોશિયલ મીડિયા થકી જાગૃત કરી રહ્યા છે અને યુવાનોને આધ્યાત્મનું મહત્વ સમજાવી રહ્યા છે. સ્વામી રામશંકર હિમાચલના બૈજનાથના છે.
જેઓ સોશ્યલ મીડિયા પર ડિજિટલ બાબાના નામે દેશભરમાં ભારે ફ્રેન્ડ ફોલોઇંગ ધરાવે છે. નર્મદા પરિક્રમા કરતા કરતા અને દરેક સ્થળે તેનું વિડીયો શૂટિંગ કરતા આ ડિજિટલ બાબા 24 માં દિવસે અંકલેશ્વર રામકુંડ ખાતે આવી પોહચતા મહંત ગંગાદાસે તેમનું સ્વાગત કર્યું હતું. આ યુવા ડિજિટલ બાબાએ જીવનમાં પોતાનામાં રહેલા સામર્થ્યનો અનુભવ કરવા એકવાર નર્મદા પરિક્રમા અવશ્ય કરવાનો સંદેશો આપ્યો છે.
વિશ્વમાં એકમાત્ર જીવંત નદીનું બિરુદ પામેલી નર્મદા નદીની પરિક્રમા થાય છે. જેનો પ્રારંભ થતા અમરકંટક થી ભરૂચના નર્મદા સાગર સંગમ સ્થળે નર્મદાની પરિક્રમા કરવા રોજ હજારો પરિક્રમવાસી ઉમટી રહ્યા છે.
નર્મદા પરિક્રમા વિવિધ રીતે થાય છે. અને તેનું મહત્વ પણ વિશેષ રહેલું છે. પરિક્રમા દરમિયાન કેટલાય પરિક્રમવાસીઓને આધ્યાત્મિક તેમજ ચમત્કારિક અનુભવો પણ થાય છે. નર્મદા પરિક્રમા અનેક રહસ્યોથી ભરેલી છે. જેને આજ સુધી કેટલાય વિદેશીઓ અને આઈએએસ, આઇપીએસ સહિત ઉધોગપતિઓએ કરી તેનો અનુભવ પણ કર્યો છે

(3:35 pm IST)