Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મતદારોમાં ભારે નિરસતા

એકંદરે આ વખતે લોકોનો ઝુકાવ ભાજપ તરફ હોવાનું જાણકારોનું કહેવું છે, જો કે, આમ આદમી પાર્ટીની હાજરી અને ચૂંટણી વાતાવરણ રાજકીય પક્ષો માટે પણ મુશ્કેલ બનાવી શકે

રાજકોટ: રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આમ ચૂંટણીનો માહોલ છે. પરંતુ મતદારોમાં ભારે નિરસતા જોવાઈ રહી છે. જેને લઈને જોરશોરથી પ્રચાર કરતા ભાજપ ઉપરાંત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનાં નેતાઓની ઊંઘ ઊડી ગઈ છે. અને તમામ દિગ્ગજ નેતાઓ પણ હાલ અવઢવમાં છે. સૌરાષ્ટ્રની 48 બેઠકો પૈકી 24 બેઠકો પર ભાજપનું પ્રભૂત્વ જોવા મળી શકે છે તો કોંગ્રેસ 10 બેઠકો પર પહેલાથી જ મજબૂત છે જ્યારે આપનો કરન્ટ પણ ભારે પડી શકે છે. કેમ કે, સૌરાષ્ટ્રમાં પક્ષ કરતા કેટલાક અન્ય ફેક્ટર વધુ કામ કરે છે.
સૌરાષ્ટ્રના 4 જિલ્લાની 24 બેઠકો પર ભાજપને કેટલી સીટો પર હાર પણ મળી શકે તો નવાઈ નહીં. ક્યાંક આપ પક્ષ ભાજપના તો ક્યાંક કોંગ્રેસના મતો તોડી રહ્યો હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. એકંદરે આ વખતે લોકોનો ઝુકાવ ભાજપ તરફ હોવાનું જાણકારોનું કહેવું છે. જો કે, આમ આદમી પાર્ટીની હાજરી અને ચૂંટણી વાતાવરણ રાજકીય પક્ષો માટે પણ મુશ્કેલ બનાવી શકે છે. કારણ કે સોશિયલ મીડિયામાં તેઓ વધુને વધુ લોકપ્રિય બની રહ્યા છે. જેને લઈને અત્યારથી ક્યાસ કાઢવો મૂશ્કેલ બન્યો છે.
સૌરાષ્ટ્રમાં રાજકારણ પણ ઘણું સ્થાનિક હોય છે અનેક નેતાઓનું વર્ચસ્વ છે. મોદીના નેતૃત્વ હેઠળ, ભાજપે સૌરાષ્ટ્રમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે કોંગ્રેસમાંથી ભાજપમાં સ્વિચ કરનારા મજબૂત સ્થાનિક નેતાઓ પર મોટાભાગે આધાર રાખ્યો છે. ઉદાહરણ તરીકે, પબુભા માણેક 1990 થી દ્વારકા મતવિસ્તારમાં અપરાજિત છે. તેમણે 2002માં અપક્ષ તરીકે તેમની પ્રથમ ત્રણ ચૂંટણી જીતી હતી. 2007ની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા. ત્યારથી તેઓ ભાજપમાં છે. જસદણના કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયાને તેમને બીજેપી પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ વખતે પણ આહીર સમાજના ધારાસભ્યને ભાજપે તેમના તરફ કર્યા છે. 2017 થી સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના 9 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. અને તેઓ ભાજપમાં જોડાયા છે. આ બાબત ભાજપને ફાયદો કરાવી શકે છે.
હાલમાં ગુજરાતના લગભગ 40 ટકા લોકો શહેરી વિસ્તારોમાં રહે છે. પરંતુ સૌરાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, જામનગર અને ભાવનગર જેવા કેટલાક શહેરી વિસ્તારોને બાદ કરતાં બાકીનો વિસ્તાર ગ્રામીણ છે. મોદી અને શાહના નેતૃત્વમાં ભાજપે 2001થી અત્યાર સુધીમાં દાયકામાં જે પ્રકારનું શહેરી રાજકીય વર્ચસ્વ હાંસલ કર્યું હતું તે માટે આ પ્રદેશ અનુકૂળ ન હોવાનું એક કારણ એ પણ છે કે, જેમાં ઘણી શહેરી બેઠકો પર મોટો ફાયદો થયો મળ્યો છે તો ક્યાંક હારનો સામનો પણ કરવો પડ્યો છે. તો દર વખતે કૃષિ સંકટને લઈને ભાજપને ખેડૂતોના વોટથી કેટલાક વિસ્તારમાં માર પડે છે. જેને લઈને આ વખતે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ખેડૂતોનાં મતો ગમે તે પક્ષની બાજી પલટાવી શકે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. ત્યારે હવે મતદારો કોને ગુજરાતની ગાદી ઉપર બેસાડશે તે તો આવનારો સમય જ બતાવશે.

(10:42 pm IST)