Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

સુરતના કતાર ગામ ખાતે ઈટાલિયાની જાહેર સભામાં પથ્થરમારો થતા બાળકને માથા પર ઈજા થઈ

આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે, ગોપાલ ઈટાલિયાના હાથમાં એક પથ્થર છે. અને કહે છે કે,આ મારા હાથમાં ફેંકેલો પથ્થર છે

સુરત: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પહેલા અને બીજા તબક્કાના મતદાનને ગણતરીનો સમય બાકી છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર પસાર કરવામાં આવી રહ્યો છે. આ વખતની ચૂંટણીમાં શરૂઆતથી જ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. બંન્ને પાર્ટીઓ દ્વારા એક બીજા પર અનેકવાર શાબ્દીક પ્રહારો તેમજ ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા છે. ત્યારે આપના ગોપાલ ઈટાલિયા દ્વારા ભારતીય જનતા પાર્ટી પર વધુ એક આરોપ લગાવવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર,આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાની સુરતના કતાર ગામ ખાતે સભા યોજાઈ હતી. જેમાં નાનાથી મોટા લોકો હાજર રહ્યા હતા. ત્યારે આ સભા દરમિયાન પથ્થરમારો થયો હોવાનું સામે આવ્યું છે. આમ આદમી પાર્ટીએ ટ્વિટ કરીને ભાજપના ગુંડાઓ પર આક્ષેપ લગાવ્યો છે. આ પથ્થર ફેંકવાની ઘટનામાં એક નાના બાળકને માથામાં ઈજા થઈ હોવાનું પણ સામે આવી રહ્યું છે. જેમાં ઈટાલિયાની જાહેર સભામાં પથ્થરમારો થતા બાળકને માથા પર ઈજા થઈ હતી. આ ઘટના ઘટતા જ ગોપાલ ઈટાલિયા મંચ પરથી ઉતરી ગયા અને તરૂણને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા.
મહત્વનું છે કે, આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, ગોપાલ ઈટાલિયાના હાથમાં એક પથ્થર છે. અને કહે છે કે,આ મારા હાથમાં ફેંકેલો પથ્થર છે. પથ્થર બતાવતા જ લોકોનો અવાજ આવતો સંભળાઈ રહ્યા છે. જે બાદ ગોપાલ ઈટાલિયા કહે છે કે, જોઓ આ લોકો ભાગ્યા. તેમણે કહ્યું કે,એમના હાથમાં પથરો છે અમારા હાથમાં ઝાડું છે. નક્કી તમારે કરવાનું છે કે પથરો આવશે કે ઝાડું. મને એ નથી સંભળાતું હું ચૂંટણીમાં ઉભું છું.
વધુમાં તેમણે કહ્યું-તમે જનતાને વાત કરો કે, ગોપાલને મત શા માટે આપવાનો છે. જનતા સમજી જશે. તો ગોપાલને મત નહિ આપે. તેમાં પથરા મારીને માથા ફોડવાની વાત ક્યાં આવી. આ ચૂંટણી છે કે ઝઘડો છે. આ પથરો સાચવી રાખવાનો છે અને આ જ પથ્થરનો જવાબ આપવાનો છે. એક એક પથ્થરનું પગથિયું બનાવી તેના માથા પર ઉભું રહેવાનું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી જાહેર થયા બાદથી ગુજરાતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યા છે. તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પક્ષ-વિપક્ષ સામે આરોપો કરવામાં આવી રહ્યા છે. તેવામાં આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલી ટ્વીટ અને ગોપાલ ઈટાલિયાના વિડીયોને લઈ હાલ ગુજરાતનું રાજકારણ ફરી વખત ગરમાતું જોવા મળી રહ્યું છે.

(3:42 pm IST)