Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

ચૂંટણી તંત્રની નવતર પહેલ : ૮૦ વર્ષથી વધુ વયના અશક્ત વડીલો અને દિવ્યાંગોનું ઘેરબેઠા મતદાન

પુરી ગુપ્તતા જળવાય એવી પ્રક્રિયા દ્વારા ચૂંટણી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ ઘેર-ઘેર જઈને મત મેળવી રહ્યા છે

ગાંધીનગર જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓ- કર્મચારીઓ અશક્ત વડીલો અને દિવ્યાંગોના ઘેર ઘેર જઈને તેમનું મતદાન મેળવી રહ્યા છે. ફોર્મ ૧૨-ડી જેમણે ભર્યું હતું એવા ૮૦ થી વધુ વયના અશક્ત વડીલો અને મતદાન માટે બૂથ સુધી જઈ શકવા અસમર્થ હોય એવા દિવ્યાંગજનોના મતદાનની કામગીરી સમગ્ર રાજ્યમાં હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગરના સેક્ટર ૧-બી માં રહેતા વરિષ્ઠ લેખક અને નિવૃત્ત સરકારી અધિકારી સુરેશભાઈ પ્રા. ભટ્ટ આગામી ડિસેમ્બર મહિનામાં ૮૫ વર્ષના થઈ રહ્યા છે. અવસ્થાને કારણે તેઓ વૉટીંગ માટે મતદાન મથક સુધી જઈ શકે તેમ ન હોવાથી ગાંધીનગર જિલ્લા ચૂંટણી તંત્રના બૂથ લેવલ ઓફિસર અને અન્ય અધિકારીઓ-કર્મચારીઓની બનેલી ટીમે આજે તેમના નિવાસસ્થાને જઈને મતદાન કરાવ્યું હતું.
ઇલેક્શન કમિશન દ્વારા વિધાનસભાની આ ચૂંટણીઓમાં ૮૦ વર્ષથી વધુ વયના અશક્ત વડીલો, દિવ્યાંગો અને કોરોનાગ્રસ્તો માટે તેમના નિવાસ્થાને જઈને મત મેળવવાનો નવતર અભિગમ અપનાવાયો છે. ચૂંટણીની જાહેરાત થયાના પ્રથમ સપ્તાહમાં આવા મતદારોએ ફોર્મ ૧૨-ડી ભરીને આપવાની વ્યવસ્થા હતી. જેમણે ફોર્મ ૧૨-ડી ભર્યા હતા એવા વડીલો, દિવ્યાંગો અત્યારે ઘેર બેઠા મતદાન કરી રહ્યા છે.
જિલ્લા ચૂંટણી તંત્રની આખી ટીમ પોતાની સાથે પોસ્ટલ બેલેટ માટેની તમામ વ્યવસ્થાઓ સાથે આવા મતદારોના નિવાસ્થાને પહોંચે છે. તેમની સાથે રાજકીય પક્ષોના ઉમેદવારો કે તેમણે નિયુક્ત કરેલા પ્રતિનિધિઓ પણ હોય છે. પોલીસકર્મી અને વિડીયોગ્રાફીની ચોકસાઈ સાથે ઘરમાં રીતસર મત કુટીર ઊભી કરવામાં આવે છે, અને પછી વડીલ કે દિવ્યાંગ વ્યક્તિ ઘેર બેઠા મતદાન કરે છે. સમગ્ર પ્રક્રિયામાં મતદાન મથક જેવી જ ગુપ્તતા જાળવવામાં આવે છે.
ગાંધીનગરના વરિષ્ઠ લેખક સુરેશ પ્રા ભટ્ટે અવસ્થાને કારણે દ્રષ્ટિ પણ ગુમાવી છે. આવી અવસ્થામાં ચૂંટણીતંત્ર ઘેર આવીને મતદાન કરાવી જાય એ આખી પ્રક્રિયાથી તેઓ ગદગદિત થઈ ગયા હતા.સુરેશ ભટ્ટે ઈલેક્શન કમિશન પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે, હું લોકશાહીના રક્ષકોનો આભાર માનું છું. એક મહિના પછી હું ૮૫ વર્ષનો થઈશ. આવી અશકતાવસ્થામાં હું મતદાન માટે જઈ શક્યો ન હોત.ચૂંટણી પંચના અધિકારીઓ-કર્મચારીઓ આજે ઘેર આવીને મારો મત લઈ ગયા. લોકશાહી વ્યવસ્થામાં એક-એક મત કેટલો કિંમતી છે એ સૌએ સમજવા જેવું છે." જે લોકો મતદાન મથક સુધી જઈ શકે છે, એ સૌને ઉત્સાહપૂર્વક મતદાન કરવા તેમણે અપીલ કરી હતી

(7:58 pm IST)