Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 139 મહિલા ઉમેદવાર મેદાનમાં કઈ પાર્ટીએ કેટલા મહિલાઓને આપી ટિકિટ ? : જાણવા જેવું

આ વર્ષે આ દળ તરફથી ચૂંટણી લડી રહેલી મહિલા ઉમેદવારોની સંખ્યા 2017 ચૂંટણીની તુલનામાં વધી

અમદાવાદ :ગુજરાતમાં 50 ટકા મહિલા મતદાર હોવા છતા વિધાનસભા ચૂંટણીમાં મહિલા ઉમેદવારની સંખ્યા માત્ર 139 છે. રાજ્યની 182 વિધાનસભા બેઠક માટે કુલ 1,621 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે.સત્તા પર રહેલી ભારતીય જનતા પાર્ટી  અને વિપક્ષી કોંગ્રેસે હંમેશઆની જેમ આ વખતે કેટલીક મહિલાઓને જ ટિકિટ આપી છે પરંતુ આ વર્ષે આ દળ તરફથી ચૂંટણી લડી રહેલી મહિલા ઉમેદવારોની સંખ્યા 2017 ચૂંટણીની તુલનામાં વધી છે.

ભાજપે 2017માં 12 મહિલાઓને ઉમેદવાર બનાવ્યા હતા અને આ વખતે 18 મહિલાઓને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે 2017માં 10 મહિલા ઉમેદવારની તુલનામાં આ વખતે 14 મહિલાઓને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. બન્ને દળોએ આ વખતે દલિત અને જનજાતીય સમુદાયની મહિલા ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. વડોદરામાં સયાજીગંજ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અમી રાવતે કહ્યુ કે મહિલાઓનું પ્રતિનિધિત્વ ત્યારે વધશે જ્યારે સંસદમાં મહિલાઓને 33 ટકા અનામત આપનાર બિલ પાસ થશે જ્યારે ભાજપના રાજ્ય મહિલા શાખાના પ્રમુખ દીપિકા સર્વદાએ કહ્યુ કે તેમની પાર્ટી પહેલાથી જ અધ્યક્ષ સહિત મહત્વપૂર્ણ પદ આપીને મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવાની દિશામાં કામ કરી રહી છે.

 

ચૂંટણી પંચના આંકડા અનુસાર, આવતા મહિને બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે યોજાનાર ચૂંટણીમાં કુલ 1,621 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે જેમાંથી 139 મહિલા ઉમેદવાર છે. આ મહિલાઓમાંથી 56 અપક્ષ છે. રાજ્યમાં 2017માં યોજાયેલી ચૂંટણીમાં કુલ 1,828 ઉમેદવારમાંથી 126 મહિલા ઉમેદવાર હતા. તે વર્ષે ગુજરાતે 13 મહિલા ઉમેદવારોને વિધાનસભામાં મોકલ્યા હતા. જેમાં ભાજપ તરફથી 9 અને કોંગ્રેસના ચાર મહિલા ઉમેદવાર હતા. ચૂંટણી પંચના આંકડા અનુસાર 2017ની વિધાનસભા ચૂંટણીમાં ઓછામાં ઓછી 104 મહિલા ઉમેદવારોની જમાનત જપ્ત થઇ ગઇ હતી.

આમ આદમી પાર્ટીએ આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 182 બેઠક પર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા છે, જેમાંથી એક ઉમેદવારે પોતાનું નામ પરત ખેચી લીધુ છે. આમ આદમી પાર્ટીએ છ મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે અને તેમાંથી ત્રણ અનુસૂચિત જનજાતિ (એસટી) સીટ પર ચૂંટણી લડી રહી છે. ઓલ ઇન્ડિયા મજલિસ-એ ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) 13 બેઠક પર ચૂંટણી લડી રહી છે અને તેને 2 મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે જેમાંથી એક મુસ્લિમ અને એક દલિત સમાજની મહિલા છે. બહુજન સમાજ પાર્ટી (BSP)એ આગામી ચૂંટણી માટે 13 મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. બસપા 101 બેઠક પર ચૂંટણી લડી રહી છે.

(8:17 pm IST)