Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

નવી પ્રાઇવેટ યુનિવર્સિટીના પ્રસ્‍તાવોનો રાફડો ફાટયો

ખાનગી યુનિવર્સિટીઓ સ્‍થાપવા શિક્ષણ વિભાગને મળી ૧૨ અરજી

અમદાવાદ, તા.૨૮: શિક્ષણ વિભાગ ખાનગી યુનિવર્સિટી સ્‍થાપવા આતુર લોકોમાં થઇ રહેલ વધારો જોઇ રહ્યો છે. થોડા મહિનામાં જ નવુ શૈક્ષણિક વર્ષ શરૂ થવાનું છે.

સુત્રોએ કહ્યું કે ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી એકટ હેઠળ શિક્ષણ વિભાગને નવી યુનિવર્સિટીઓ સ્‍થાપવા માટે ૧૨ જેટલી અરજીઓ મળી છે. અરજદારોમાં કોર્પોરેટર હાઉસો અને ટ્રસ્‍ટો ઉપરાંત અન્‍યો પણ સામેલ છે. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વાપી, વલસાડ અને સુરત આજુબાજુના વિસ્‍તારો આ યુનિવર્સિટીઓ માટે બહુ પસંદગીના સ્‍થળો છે. સુત્રોએ કહ્યું કે ગુજરાતના એક ટોચના રાજકારણીના સગાએ પણ અમદાવાદ નજીક ખાનગી યુનિવર્સિટી સ્‍થાપવા માટે અરજી કરી છે. સુત્રએ કહ્યું, બધી અરજીઓ કાયદા અનુસાર ચકાસવામાં આવશે. વિભાગ એ પણ ચકાસશે કે આ યુનિવર્સિટીઓને જો મંજૂરી આપવામાં આવે તો જરૂરી ઇન્‍ફાસ્‍ટ્રકચર માટે તેમની પાસુ પુરતુ ભંડોળ છે કે નહી'

સુત્રોએ કહ્યું કે આ સૂચિત યુનિવર્સિટીઓ બધી વિગતો એક સ્‍પેશ્‍યલ કમિટી ચેક કરશે કે કોની પાસે જરૂરી નેટવર્ક છે, શૈક્ષણિક ક્ષેત્રમાં તેમણે કેટલા વર્ષ કામ કર્યુ છે. શિક્ષણ વિભાગ દ્વારા અરજીઓ મંજૂર થયા પછી તેને ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં મંજૂર કરીને અધિસુચિત કરવાની જરૂર પડશે.

ગુજરાતમાં અત્‍યારે સરકારી અને ખાનગી મળીને ૭૦ થી વધારે યુનિવર્સિટીઓ છે. જો કે મોટા ભાગની યુનિવર્સિટીઓને હોંશીયાર વિદ્યાર્થીઓ મેળવવામાં તકલીફ પડી રહી છે. બીલાડીના ટોપની જેમ ફુટી નીકળેલી યુનિવર્સિટીઓના નબળા શિક્ષણનો પ્રશ્‍ન પણ ઉભો થઇ રહ્યો છે.

(3:05 pm IST)