Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

હાસ્‍યલેખક શ્રી મધુસૂદન પારેખ ‘પ્રિયદર્શી'નું ૧૦૧માં વર્ષે અવસાન

અમદાવાદમાં રહેતા હાસ્‍યલેખક મધુસૂદન પારેખ ‘પ્રિયદર્શી'નું આજે, ૨૮મી જાન્‍યુઆરી, ૨૦૨૩, શનિવારના રોજ સવારે ૧૦૧ વર્ષની ઉંમરે નિધન થયું છે. આ માહિતી તેમના પુત્ર ડો.અશોક પારેખે આપી છે. આજે સવારે દસ વાગ્‍યે અમદાવાદમાં તેમના અંતિમ સંસ્‍કાર કરાયા.

મધુસૂદન પારેખ ‘પ્રિયદર્શી'એ ૧૪મી જુલાઈ, ૨૦૨૨ના રોજ એકસોમા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. (જન્‍મઃ ૧૪ જુલાઈ, ૧૯૨૩), ‘કીમિયાગર', ‘પ્રિયદર્શી', ‘વક્રદર્શી' જેવાં ઉપનામો ધરાવતા શ્રી મધુસૂદન પારેખ ગુજરાતી ભાષાના જાણીતા હાસ્‍યલેખક, વિવેચક, સંપાદક, અનુવાદક હતા.

તેમનો જન્‍મ અમદાવાદમાં. જોકે તેમનું મૂળ વતન સુરત. ‘હું, શાણી અને શકરાભાઈ'નામની હાસ્‍ય કોલમને કારણે ઘણા તેમને ઓળખતા હશે, પણ તેમનું વિવિધ ક્ષેત્રે બૃહદ પ્રદાન રહ્યું છે. તેમનો અને તેમણે સાહિત્‍યમાં કરેલા પ્રદાનનો પરિચય કરવા જેવો છે.સાહિત્‍યકાર અને સારસ્‍વત મધુસૂદન પારેખને ઓળખવા જેવા છે. તેમના પ્રદાનની વંદના કરવા જેવી છે. હું એક ઝલક આપવાનો પ્રયાસ કરું છું.

તેઓ સારસ્‍વત હીરાલાલ પારેખના પુત્ર. હીરાલાલ પારેખ ‘બુદ્ધિપ્રકાશ'ના તંત્રી હતા. મધુસૂદનભાઈ અમદાવાદ, રાજકોટ અને મુંબઈમાં ભણ્‍યા. મુંબઈમાં બી.એ. થઈને તેમણે અમદાવાદમાં માસ્‍ટર કર્યું. એ પછી તેમની પીએચ.ડી. કરવાની ખૂબ ઇચ્‍છા હતી.

તેમણે કેળવણીકાર યશવંત શુક્‍લને કહ્યું કે, ‘મારે પીએચ.ડી. કરવું છે.' યશવંત શુક્‍લએ કહ્યું કે, ‘થોડા લેખો લખો. જો મને ગમશે તો આગળ વધીશું.' (આને કહેવાય પીએચ.ડી.માં પ્રવેશ માટેની નેટ પરીક્ષા. એ વખતે નેટ પરીક્ષા આ રીતે લેવાતી હતી.)

મધુસૂદનભાઈએ મહેનત કરીને લેખો તો લખ્‍યા, પણ અત્‍યંત વ્‍યસ્‍ત રહેતા યશવંતભાઈ પાસે એ લેખો વાંચવાનો સમય નહોતો. જો કે તેમણે મધુસૂદનભાઈના માર્ગદર્શક એટલે કે ગાઇડ થવાની હા ભણીને અર્વાચીન કવિઓના પ્રદાનનો વિષય સૂચવ્‍યો. નગીનદાસ પારેખને ખબર પડી તો કહે કે આ વિષય બરાબર નથી. એ પછી યશવંત શુક્‍લએ તેમને ‘ગુજરાતી નવલકથામાં પારસીઓનું પ્રદાન'એ વિષય પર કામ કરવાનું કહ્યું. મધુસૂદનભાઈએ સતત છ વર્ષ સુધી આ વિષય પર સખત કામ કર્યું.

અમદાવાદ ઉપરાંત નવસારી, સુરત, મુંબઈ વગેરે શહેરો-નગરોમાં ફરી વળ્‍યા. એક-એક પુસ્‍તકાલયમાં ગયા. ખૂબ જ ગહન સંશોધન કર્યું.

એક તકલીફ થઈ. તેમને જે પારસી શબ્‍દો મળ્‍યા તેના અર્થ કોઈને ના આવડે. અમદાવાદના અગ્રણી પારસીઓને તેઓ વારંવાર મળ્‍યા પણ ઘણા શબ્‍દો ખૂબ જ અઘરા હતા. પાછા મળ્‍યા યશવંત શુક્‍લને. તેમણે કહ્યું કે, ‘મુંબઈ જાવ અને જહાંગીર સંજાણને મળો.' તેમને મળ્‍યા. તેમણે મોટાભાગના શબ્‍દોના અર્થ કહ્યા પણ તોય ઘણા શબ્‍દો બાકી રહી ગયા.

જહાંગીરભાઈએ કહ્યું કે, ‘વાક્‍યો લઈ આવો.' પાછા અમદાવાદ આવ્‍યા. આખાં વાક્‍યો લઈને પુનઃ મુંબઈ ગયા. આ રીતે તેમનો મહાનિબંધ પૂરો થયો. તેમને શ્રેષ્ઠ સંશોધકનું બિરુદ પણ મળેલું.

તેમણે જ સંશોધન કરતાં શોધી કાઢ્‍યું કે કરણઘેલો નહીં, પરંતુ ‘હિંદુસ્‍તાન મધ્‍યેનું ઝૂંપડું' એ ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા છે.

મધુસૂદનભાઈ એચ. કે. કોલેજમાં પ્રા'ફેસર થયા હતા. યશવંત શુક્‍લ, ચીનુભાઈ નાયક, મધુસૂદન પારેખ જેવા સ્‍ટાર પ્રોફેસરો હશે ત્‍યારે એચ.કે.નું ગગન કેવું શોભતું હશે? તેની કલ્‍પના (અને તેનો જેને લાભ મળ્‍યો હશે તેમની ઈર્ષા) જ કરવાની થાય.

તેમણે સાહિત્‍યમાં માતબર પ્રદાન કર્યું. સંશોધન, વિવેચન, હાસ્‍યસાહિત્‍ય, જીવનચરિત્રો ઉપરાંત બાળ સાહિત્‍યમાં તેમણે અમૂલ્‍ય પ્રદાન કર્યું છે.

તેમને રણજિતરામ સુવર્ણ ચંદ્રક સહિત ગુજરાતી સાહિત્‍યના અનેક અ'વા'ર્ડ મળ્‍યા છે. તેમણે ‘બુદ્ધિપ્રકાશ'નું તંત્રીપદ વર્ષો સુધી સખત પરિશ્રમ કરીને શોભાવ્‍યું હતું.

આ બધા એવા જૂના માણસો છે જે પલાંઠી મારીને બેસે અને સખત કામ કરે. કામની ઊંડાઈમાં જાય. પ્રતિબદ્ધતાથી કામ કરે.

સાહિત્‍યકાર મધુસૂદન પારેખ સાથેનો એક રસપ્રદ પ્રસંગ કહું: વર્ષો પહેલાં પત્રકાર તરીકે હું મધુસૂદનભાઈનો ઇન્‍ટરવ્‍યૂ કરવા તેમના મણિનગરના ઘેર ગયેલો. મોટાભાગે તેમને રણજિતરામ ચંદ્રક મળ્‍યો તેના સંદર્ભમાં જ મુલાકાત કરવા ગયો હતો. તેઓ જે અ'પાર્ટમ'ન્‍ટમાં રહે છે તેનું નામ છે ‘લિંકન એપાર્ટમ'ન્‍ટ'. મારો સ્‍વભાવ પંચાતિયો અને વાતોડિયો. ઇન્‍ટરવ્‍યૂ પછી મેં પૂછ્‍યું કે આનું નામ લિંકન એપાર્ટમેન્‍ટ કેમ પડ્‍યું? તેમણે નામ પાછળની રસ પડે એવી મને કથા કહી.

સોસાયટીની રચના કરીને બધા મિત્રો સરકારી વિભાગમાં નોંધણી માટે ગયા. કોઈ કારણથી તેમણે વિચારેલું નામ મળે તેમ નહોતું. રજિસ્‍ટાર કહે, બીજું નામ આપો. એ ઓફિસમાં લિંકનની તસવીર લટકતી હતી. બધા કહે કે લિંકન એપાર્ટમેન્‍ટ નામ રાખો.

એ રીતે લિંકન એપાર્ટમેન્‍ટ નામ પડ્‍યું.

નામ પાછળ કેવાં કેવાં પરિબળો છુપાયેલાં હોય છે ?

આમ તો સર્જકમાત્ર લાંબું જીવે એવું ગમે, પણ કારણ ગમે તે હોય, બાળ સાહિત્‍યકારો અને હાસ્‍યલેખકો લાંબું અને નિરામય જીવતા હોય છે.

પરમાત્‍મા તેમને નિરામય દીર્ઘાયુ આપે.

(તેમના દીકરા ડો. અશોક પારેખનો સંપર્ક નંબર ૯૮૯૮૧ ૮૪૫૫૪ છે.)

(સરનામું : ડો.મધુસુદન પારેખ, લિંકન એપાર્ટમેન્‍ટ, મણિનગર, અમદાવાદ-૩૮૦૦૦૮)

:આલેખનઃ

રમેશ તન્‍ના

મો.૯૮૨૪૦ ૩૪૪૭૫

(3:52 pm IST)