Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા કાલે જુનિયર કલાર્કની લેખિત પરિક્ષાઃ 9 લાખથી વધુ પરિક્ષાર્થીઓઃ 70,000 જેટલો સ્‍ટાફ કાર્યરત

પરિક્ષામાં ગેરરીતિ ન થાય અને કાયદો વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે માટે તંત્ર એલર્ટ

અમદાવાદઃ ઘણા લાંબા સમય બાદ પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર કલાર્કની પરિક્ષા આવતીકાલે લેવાશે. ગીર-સોમનાથ જિલ્લા સિવાય તમામ જિલ્લાઓમાં 2900થી વધુ કેન્‍દ્રોમાં પરિક્ષા લેવાશે.

ગુજરાતમાં સતત બેરોજગારીનો પ્રશ્ન ચર્ચામાં રહે છે. આ મુદ્દો એવો છેકે, ચૂંટણીટાણે આની ચર્ચા વિપક્ષ પણ કરે છે. જોકે, ચૂંટણી પુરી થયા બાદ આ મુદ્દે કઈ ચર્ચા થતી નથી. લાંબા સમયથી સરકારી ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. આવતીકાલે ગુજરાત સરકારના પંચાયત સેવા વિભાગમાં મોટાપાયે ભરતીની પરીક્ષા લેવામાં આવશે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા ગીર સોમનાથ સિવાયના તમામ જીલ્લાઓમાં આવતીકાલે સવારે 11.00 કલાકથી બપોરના 12.00 કલાક સુધી યોજાનાર છે. આ પરિક્ષામાં કોઈ અનઈચ્છિનિય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સરકાર એલર્ટ થઈ ગઈ છે. આવતીકાલે ગીર સોમનાથ સિવાયના તમામ જીલ્લાઓમાં 2900થી વધુ કેન્દ્રો પર આ પરીક્ષા યોજાશે. આ માટે રાજ્યભરમાંથી 9 લાખથી વધુ ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરી છે. તમામ પરીક્ષા કેન્દ્ર ખાતે CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે.

વેબસાઈટ પર મુકાયો છે હેલ્પલાઈન નંબર-

ગુજરાતમાં આવતીકાલે લેવાનાર પરીક્ષા માટે દરેક જિલ્લાના હેલ્પલાઈન નંબર પંચાયત મંડળની વેબસાઈટ પર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત દરેક જિલ્લાઓ ખાતે કુલ 42 જેટલા સ્ટ્રોંગરૂમ રાખવામાં આવ્યા છે. આ પરીક્ષા માટે સમગ્ર રાજયના તમામ જિલ્લાઓ પર પરીક્ષાનું સંચાલન કરવા માટે 7500 જેટલા પોલીસ કર્મીઓ સહિત આશરે 70,000 જેટલો સ્ટાફ કાર્યરત રહેશે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓના કુલ 2995 પરીક્ષા કેન્દ્રો તથા 31,794 વર્ગખંડોમાં આ પરીક્ષા યોજાનાર છે. આ ઉપરાંત મંડળની વેબસાઈટ પર કોઈપણ જાતની લાંચ કે લાલચ તેમજ છેતરપિંડી અંગેની જાહેર સુચના પણ આપવામાં આવી છે.

પરીક્ષા કેન્દ્રો પર ખાસ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા-

આ પરિક્ષાના કેન્દ્રોની અંદર તેમજ તેની આસપાસ 200 મીટરની એરિયામાં કોઇપણ વ્યકિત પરીક્ષા દરમિયાન મોબાઇલ ફોન, કોર્ડલેસ ફોન, કેલ્યુલેટર, સ્માર્ટ વોચ-ટેબલેટ-સ્માર્ટ પેન કે અન્ય કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સના ઉપયોગ પર પ્રતિબંધ છે. આ પરીક્ષાના સમય દરમિયાન કોઈપણ અનઅધિકૃત લેખન સામગ્રી સાથે લઈ જઈ શકશે નહિ કે સાથે રાખી પરીક્ષાના કેન્દ્રોના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસોએ એકત્ર થવા અથવા ભેગા થઈ શક્શે નહી. આ અગાઉ પરિક્ષાના પેપરો ફૂટ્યા હોવાથી સરકાર દ્વારા આ નિર્ણયો લેવામાં આવ્યા છે.

(6:47 pm IST)