Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

અમદાવાદના લાંભા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે દરોડો પાડીને 10 તબીબો નકલી ડિગ્રી સાથે ઝડપ્યા

આરોગ્ય વિભાગની ટીમની તપાસમાં 10થી વધુ તબીબો નકલી ડિગ્રીના આધારે ક્લિનિક ચલાવી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું: ટીમોએ આ ડોક્ટરોના ક્લિનિક્સને સીલ કરી દીધી

અમદાવાદઃ અમદાવાદ જેવા મહાનગરોમાં નકલી ડોક્ટરોનો રાફડો ફાટી નીકળ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે નકલી ડિગ્રી લઈને લોકોના આરોગ્ય સાથે રમત રમનારા આવા તબીબો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના લાંભા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે દરોડો પાડીને 10 તબીબો નકલી ડિગ્રી સાથે ઝડપ્યા હતા. આ તમામ ડોક્ટરોના ક્લિનિક સીલ કરી દેવામાં આવ્યા છે. મહાનગરપાલિકાની આ કાર્યવાહીને કારણે ડિગ્રી વગર ડોક્ટર બનનાર તબીબોમાં ખળભળાટ મચી ગયો છે.

ક્લિનિક પર દરોડો

અમદાવાદ શહેરના લાંભા વિસ્તારમાં નકલી ડિગ્રી ધરાવતાં ક્લિનિક ચલાવતા તબીબો સામે મ્યુનિસિપલ હેલ્થ વિભાગે દરોડા પાડ્યા હતા.તેમના સ્વાસ્થ્ય સાથે રમતા નકલી ડોક્ટરો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ બાદ આ તમામ ક્લિનિક સીલ કરી દેવામાં આવી છે.

10 ડોક્ટર નકલી ડિગ્રીના આધારે ક્લિનિક ચલાવતા હતા

આરોગ્ય વિભાગની ટીમની તપાસમાં 10થી વધુ તબીબો નકલી ડિગ્રીના આધારે ક્લિનિક ચલાવી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું. જે બાદ ટીમોએ આ ડોક્ટરોના ક્લિનિક્સને સીલ કરી દીધી છે. આ દરમિયાન લોકોમાં એવી ચર્ચા હતી કે સરકાર સામાન્ય માણસને સરળતાથી સજા કરે છે. પરંતુ આવા નકલી ડોકટરો સામે પહેલાથી જ કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી, આ લોકો કોની સાથે મળીને લોકોના આરોગ્ય સાથે રમે છે?

(5:40 pm IST)