Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

સુરત અને દિલ્હી વચ્ચે સાંજના સમયે ચાલતી ફલાઇટનું બુકિંગ બંધ કરવામાં આવ્યું: એર ઈન્ડિયાનું મર્જર ચાલી રહ્યું હોવાથી આ ફલાઇટ બંધ કરવામાં આવી: મર્જરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ ફ્લાઈટ શરૂ કરાશે

સુરત: સુરત અને દિલ્હી વચ્ચે સાંજના સમયે ચાલતી ફલાઇટનું બુકિંગ બંધ કરવામાં આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલમાં એર ઈન્ડિયાનું મર્જર ચાલી રહ્યું હોવાથી આ ફલાઇટ બંધ કરવામાં આવી છે. મર્જરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ ફ્લાઈટ શરૂ કરાશે ત્યાં સુધી મુસાફરોને તકલીફ રહેશે

સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર એર ઇન્ડિયા નું આ ફલાઇટ ન.એ-૧ 489-490નું સુરતથી દિલ્હી વચ્ચેનું બુકિંગ કંપનીએ તા. 8 માર્ચથી બંધ કરી દીધું છે. સને-2015માં આ ફ્લાઇટ શરૂ કરવા માટે સુરતના સાંસદ અને હાલના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ત્રણ કરોડની બેંક ગેરંટી જમા કરાવી હતી.આ ફલાઇટને ખુબ જ સારો પ્રતિસાદ પણ મળ્યો હતો અને અન્ય શહેરો તેમજ વિદેશની સાથે પણ એરકનેક્ટીવીટી સારી મળી હતી. જો કે, હવે આ ફ્લાઇટ બંધ કરવામાં આવશે.

જાણકારોના કહેવા મુજબ એર એશિયા ઇન્ડિયા, વિસ્તારાં,અને એર ઇન્ડિયા એક્સ્પ્રેસ ચારેય એર લાઇન્સ કંપનીઓનું મર્જર થયુ છે.જેમાં એર ઇન્ડિયા અને વિસ્તારાનું મર્જ થયું છે.આગામી દિવસોમાં વિસ્તારા નામ નીકળી જશે. એવી જ રીતે એર એશિયા ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ નું મર્જ થયું છે.અને આગામી દિવસમાં આ કંપનીનું નામ એર ઇન્ડિયા એક્સપ્રેસ રહેશે.

મર્જર અને નવા શિડયુલ તૈયાર કરવાને કારણે એર ઇન્ડિયાની ફ્લાઇટો આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ઓપરેટ થશે જ્યારે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટો માત્ર ડોમેસ્ટીક પુરતી જ મર્યાદિત રહેશે. સાંજની ફ્લાઇટ જે બંધ થઇ છે તે પણ થોડા મહિના માટે જ છે, અને જ્યારે તમામ શિડયુલ અને મર્જરની પ્રક્રિયા પુરી થઇ જાય ત્યારબાદ ફરીવાર દિલ્હીની સાંજની ફ્લાઇટ શરૂ કરવાની માહિતી મળી છે.

(6:59 pm IST)