Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

અમદાવાદ-બોટાદ બ્રોડગેજ કામ જુનમાં પૂર્ણ, મહામારીમાં ટ્રેનમાં દવા-ઓકિસજનની હેરફેર

ઓનલાઇન કોન્ફરન્સમાં નરહરી અમીને પ્રશ્નોની 'સાંકળ' ખેંચીઃ જવાબોની 'વ્હીસલ' : ધોરાજી-મહુવા વગેરે સ્ટેશનોની સાંકળતી કિસાન રેલ સેવાઃ વિદ્યુતીકરણને વેગ

રાજકોટ, તા., ૨૮: વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજર અને અન્ય અધિકારીઓ સાથે રેલ્વે સ્ટેન્ડીંગ કમીટીનાં સંસદસભ્યો સાથે વર્ચ્યુઅલ મીટીંગ વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી યોજાઇ. આ મીટીંગમાં સંસદસભ્યો નરહરી અમીન, શ્રીમતી રંજનબેન ભટ્ટ, સાધ્વી પ્રજ્ઞા ઠાકુર અને અરવિંદ સાવંત તેમજ વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજર અન્ય અધિકારીઓ ઉપરાંત મુંબઇ સેન્ટ્રલ, અમદાવાદ, વડોદરા, રતલામ, રાજકોટ, ભાવનગરનાં ડીઆરએમ, ડીસીએમ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

બેઠકની શરૂઆતમાં સંસદસભ્ય નરહરી અમીન દ્વારા રેલ્વે મંત્રાલય દ્વારા કોવીડ-૧૯ વૈશ્વીક મહામારીની વર્તમાન પરિસ્થિતિમાં કરેલ કામગીરીને બિરદાવી હતી.

આ બેઠકમાં નરહરી અમીન દ્વારા નીચે દર્શાવ્યા પ્રમાણે મુદ્દાઓ સુચનો કરવામાં આવ્યા. જેમાં અમદાવાદ-દિલ્હી રાજધાની ટ્રેનને સાબરમતી જંકશન પર સ્ટોપેજ આપવા માટે રજુઆત કરી. રેલ્વે સ્ટેશનો પર કોવીડ ગાઇડ લાઇન્સનું પુરેપુરૂ પાલન થાય તે માટે જરૂરી પગલા લેવામાં આવે અને બહારથી આવતા મુસાફરોનું સ્ક્રીનીંગ થાય તે ખુબ જ જરૂરી છે. રેલ્વે દ્વારા કોવીડ આઇસોલેશન કોચ તૈયાર કરેલા છે તેને રાજય સરકાર સાથે સંકલન કરીને જલ્દીથી ઉપયોગ થાય તે પણ જોવુ જોઇએ.

આ ઉપરાંત બેઠક દરમિયાન નરહરી અમીન દ્વારા નીચે દર્શાવ્યા પ્રમાણેનાં પ્રશ્નો-મુદ્દાઓની રજુઆત કરવામાં આવી જેના રેલ્વે મંત્રાલયનાં અધિકારીઓ દ્વારા માહીતી આપવામાં આવી.

(૧) વર્ષ ર૦ર૩ સુધીમાં બ્રોડગેજ લાઇનોનું ૧૦૦ ટકા વિદ્યુતીકરણનું લક્ષ્ય છે. તેમાં થયેલ પ્રગતી બાબતે મુદ્દો ઉપસ્થિત કરતા મંત્રાલય તરફથી માહીતી આપવામાં આવી કે છેલ્લા ર વર્ષમાં પશ્ચિમ રેલ્વેનાં ૧રપ૦ કિ.મી. રૂટનું કામ પુરૂ છે. ગુજરાતનાં કુલ ૩૭ર૧ કિ.મી. રૂટ પૈકી ૧૮પ૭ કિ.મી.નું કામ પુર્ણ થયું છે. બાકીનું કામ ડીસેમ્બર ર૦ર૩ સુધીમાં પુર્ણ કરાશે.

(ર) ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે કિસાન રેલ શરૂ કરવા બાબતે પુછતા માહીતી આપવામાં આવી કે ગુજરાતમાં અમલસાડ, ધોરાજી તથા મહુવા સ્ટેશનો અને મહારાષ્ટ્રના દહાણુ રોડથી દિલ્હી (આદર્શનગર) અને અમલસાડથી દિલ્હી (આદર્શનગર) કિસાન રેલ સેવા ચાલુ કરેલ છે. અત્યાર સુધી ૧૧૩ કિસાન રેલ સેવા ચલાવવામાં આવી છે.

(૩) અમદાવાદ-બોટાદની ૧૭૦ કિ.મી. લાઇનને બ્રોડગેજમાં રૂપાંતર કરવા બાબતે થયેલ પ્રગતી અંગે જણાવવામાં આવ્યું કે જુન-ર૦ર૧ સુધીમાં આ કામ પુરૂ થશે.

અંતમાં બેઠકમાં ઉપસ્થિત સંસદસભ્યશ્રીઓ અને અધિકારીઓનો આભાર માની બેઠક સંપન્ન કરવામાં આવી હતી.

(3:28 pm IST)