Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

કેદીઓને કોરોનાથી બચાવવા બેસ્ટ આરોગ્યપ્રદ ખોરાક, ગુજરાતની જેલ તંત્રે દેશભરમાં ડંકો વગાડ્યો

રાજકોટ જેલ સુપ્રિ. બન્નોબેન જોષી ટીમ દ્વારા રાજ્યના જેલ વડા ડો. કે.એલ.એન.રાવના માર્ગદર્શનમાં સ્પર્ધામાં બીજો ક્રમ : એસ.પી. આનંદના નેતૃત્વમાં સાબરમતી જેલ પણ ચમકી ઉઠી : કેદીઓને કોરોના મહામારીથી બચાવવાની કામગીરીમાં પ્રથમ લહેરમાં રાષ્ટ્રીય લેવલે નોંધ બાદ ફરી દેશ લેવલે વિક્રમ સર્જયો

રાજકોટ,તા. ૨૮ : કોરોના મહામારી પ્રકોપથી કેદીઓને બચાવવા માટે અથાગ જહેમત ઉઠાવવા તથા કેદીઓને આત્મનિર્ભર બનાવવા માટે સતત ઝઝુમી દેશભરના મીડિયા દ્વારા જેની નોંધ લેવાયેલ તેવા ગુજરાતના જેલ વડા ડો. કે.એલ.એન.રાવના માર્ગદર્શન હેઠળ કોરોનાકાળમાં પણ કેદીઓને સુંદર અને આરોગ્યપ્રદ ખોરાક આપવા માટેની સ્પર્ધામાં દેશભરમાં ગુજરાત બીજા ક્રમે આવતા ગૃહ મંત્રાલય, ડી.જી. આશિષ ભાટિયા અને મુખ્યમંત્રી કાર્યાલય તથા ગૃહમંત્રી દ્વારા ખુશી વ્યકત થઇ છે, અને ડો.રાવને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.

ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડડ્ર્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા (FSSAI)ની આગેવાની હેઠળ દેશભરની યુનિવર્સિટીઓ, કોલેજો, હોસ્પિટલો અને જેલ પરિસરોમાં સ્વસ્થ, સલામત અને ટકાઉ ખોરાક આપવાના આશય સાથે 'ઇટ રાઇટ કેમ્પસ' સર્ટીફીકેશનની યોજના ચલાવવામાં આવી છે.

FSSAIની આ યોજનામાં ગુજરાતની જેલોએ ડાયરેકટર જનરલ ઓફ પ્રીઝન અને કરેકશનલ એડમીનીસ્ટ્રીશન ડો.કે. એલ.એન.રાવના માર્ગદર્શન હેઠળ ભાગ લીધો છે.  FSSAI દ્વારા મુખ્ય ચાર બેન્ચમાર્કના આધારે કેમ્પસ અને રસોડાનું મુલ્યાંકન કરી આ બેન્ચામાર્કો પર ખરા ઉતરતા કેમ્પસોને 'ઇટ રાઇટ કેમ્પસ' સર્ટીફિકેટ આપવામાં આવે છે.

ડો. કે.એલ.એન. રાવ દ્વારા ગુજરાતના બંદિવાનોને પૌષ્ટીક, સ્વસ્થ, ઉચ્ચ ગુણવતા સભર ખોરાક મળી રહે તે બાબતે અંગ રસ લઇ ગુજરાત ભરની જેલોને 'ઇટ રાઇટ કેમ્પસ' બનાવવાનું બીડુ ઝડપાયું છે. ત્યારે સમગ્ર દેશમાં આઇઆઇએમ અને આઇઆઇટી કેમ્પસો સાથે સાથે ચંદીગઢ મોડેલ પ્રિઝન બાદ અમદાવાદ મધ્યસ્થ જેલ અને રાજકોટ મધ્યસ્થ જેલને ફોર સ્ટાર રેટીંગ સાથે 'ઇટ રાઇટ કેમ્પસ' જાહેર કરવામાં આવ્યા છે.

અત્રે નોંધનીય છે કે કોરોનાની મહામારી વચ્ચે ગુજરાત પ્રિઝન એન્ડ કરેકશનલ એડમીનીસ્ટ્રીશન વિભાગની કામગીરી ઉડીને આંખે વળગે તેવી છે.

કોવિડ મેનેજમેન્ટ માટે વિભાગને સ્કોચ એવોર્ડ અને ઇન્ડિયન એકસપ્રેસ ડી.ટી.એસ. એવોર્ડથી સન્માનીત કરાવ્યા બાદ કોવિડની મહામારી વચ્ચે પણ જેલોમાં કિચનની સાફ-સફાઇ અને ઉચ્ચ ગુણવતા જાળવી અત્રેની અમદાવાદ અને રાજકોટ મધ્યસ્થ જેલો દેશની બીજા અને ત્રીજા ક્રમની જેલ બની છે.

આમ સતત સુધારાઓ સાથે અને પરિસ્થિતી સાથે તાલમેલ જાળવી ડો.કે.એલ.એન.રાવના વડપણ હેઠળ ગુજરાત પ્રિઝન એન્ડ કરેકશનલ એડમીનીસ્ટ્રેશન વિભાગો વિવિધ સિધ્ધિઓ સર કરી દેશભરમાં ખ્યાતિ મેળવી છે. જે બદલ અભિનંદન વર્ષા થઇ રહી છે.

(4:27 pm IST)