Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં કોરોના મહામારી વચ્ચે ૧૦૮ ઍમ્બ્યુલન્સની લાઇનો યથાવતઃ તબીબોને મદદરૂપ થતા આરઍસઍસના કાર્યકરો અને પોલીસ કર્મચારીઓ

અમદાવાદ: કોરોનાના સુનામી વચ્ચે અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલી 1200 બેડ કોવિડ હોસ્પિટલ બહાર 108 એમ્બ્યુલન્સની લાઈન યથાવત છે. અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કહેર વચ્ચે 108 એમ્બ્યુલન્સમાં રહેલા દર્દીઓએ સારવાર મેળવવા માટે પણ રાહ જોવી પડી રહી છે. કોવિડ હોસ્પિટલની બહાર 30 થી વધુ એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોમાં કોરોનાના દર્દીઓ સારવાર માટે લાઇન લગાવી ઉભેલા જોવા મળી રહ્યા છે.

એક તરફ વધતા કેસો બીજી તરફ વધી રહેલી ગરમી વચ્ચે 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોમાં આવતા દર્દીઓને લાંબી લાઈનમાં ઉભા રહેવામાં વધુ મુશ્કેલી ના પડે તે માટે ડોમ બાંધવામાં આવ્યા છે. RSS ના સ્વયંસેવકો અને શાહીબાગ પોલીસની ટીમ તરફથી પણ દર્દીઓના સ્વજનો તેમજ 108 એમ્બ્યુલન્સને જરૂરી તમામ મદદ કરાઈ રહી છે.

શાહીબાગ પોલીસ દ્વારા સતત નોન મેડિકલ કામકાજમાં મદદ તેમજ દર્દીઓના સ્વજનો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરાઈ રહી છે. શાહીબાગ પોલીસ દ્વારા વિનામૂલ્યે પાણીની બોટલોનું વિતરણ કરવામાં આવી છે. સિવિલ કેમ્પસમાં આવેલી તમામ કોવિડ હોસ્પિટલમાં સતત પોલીસ કર્મચારીઓ પણ ખડેપગે ફરજ બજાવી રહ્યા છે.

દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફ વચ્ચે RSS ના સ્વયંસેવકો અને પોલીસકર્મીઓ દ્વારા સંકલન કરાવવામાં આવે છે. પોલીસ અને RSS ના સ્વયં સેવકોની કામગીરીથી હોસ્પિટલના ડોકટરો તેમજ નર્સિંગ સ્ટાફને પણ મળી મદદ રહી છે.

(4:48 pm IST)