Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

આદિવસિઓની જનતાના ભોગે સરકાર કરોડોની આવક કરે છે.સુવિધા આપતી નથી : સરકાર આદિવાસીઓ સાથે આતંકવાદીઓ જેવો વ્યવહાર કરે છે : : નર્મદા જિલ્લા પંચાયતના માજી સદસ્ય બળવંતસિંહ પહાડસિંહ ગોહિલનો આક્ષેપ

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: નર્મદા જિલ્લા પંચાયતના માજી સદસ્ય બળવંતસિંહ પહાડસિંહ ગોહિલે આદિવાસી વિસ્તારની આવક આદિવાસી વિસ્તારમાં વાપરી આદિવાસીઓ સાથે ન્યાય કરવા નર્મદા જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી છે. એમણે પોતાની રજુઆતમાં આક્ષેપ કરતા જણાવ્યું છે કે સરકાર આદિવાસીઓ સાથે આતંકવાદીઓ જેવો વ્યવહાર કરે છે.

બળવંતસિંહ પહાડસિંહ ગોહિલે નર્મદા કલેટકરને જણાવ્યું છે કે નર્મદા જિલ્લો 100 ટકા ટ્રાયબલ વસ્તી ધરાવતો જીલ્લો છે નર્મદા જિલ્લામાં સૌથી મોટી 2 સિંચાઇ માટેની યોજનાઓ કરજણ ડેમ અને નર્મદા ડેમના નામે ઓળખાય છે, સરકારેે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ બનાવ્યું છે. પરંતુ સરદાર સરોવર યોજનામાંથી વીજળી, પાણીની થતી કરોડો રૂપિયાની આવક ગુજરાત સરકારને થાય છે.તે ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાં આવતાં પ્રવાસીઓ પાસે કરોડો રૂપિયાની આવક ઊભી કરવામાં આવે છે.

આ સિવાય નર્મદા યોજના તેમજ કરજણ યોજનામાંથી વીજળી તેમજ પાણી દેશનાં અન્ય રાજ્યોમાં પહોંચાડવામાં આવે છે. એમાંથી પણ કરોડો રૂપિયાની આવક ઊભી કરવામાં આવે છે. આ ઉપરાંત નર્મદા જિલ્લો ડુંગરાળ વિસ્તારમાં હોવાથી ખાણ-ખનીજમાંથી સોનાની ખાણ જેવી આવક ઊભી કરવામાં આવે છે. આ બધી આવક આદિવાસી વિસ્તારમાથી ઉભી કરવામાં આવે છે પરંતુ આ આદિવાસી વિસ્તારમાં સુવિધાનાં નામે મીંડુ છે. આદિવાસી વિસ્તારમાં સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં સરકાર તદ્દ્ન નિષ્ફળ પૂરવાર થઈ છે. આદિવાસીઓ રોજગારી અને સુવિધાઓ માટે રજૂઆત અને માંગણીઓ કરે છે તો તેમની સાથે આતંકવાદીઓ જેવો વ્યવહાર કરવામાં આવે છે.

હાલમાં છેલ્લાં દોઢેક વર્ષથી કોરોના મહામારીનાં સમયમાં હોસ્પિટલો તેમજ હોસ્પિટલમાં ઓક્સિજન, વેન્ટિલેટર, નિષ્ણાત ડોક્ટરો, વેન્ટિલેટરનાં ઓપરેટરો, પેરા મેડિકલ સ્ટાફ તેમજ અન્ય સ્ટાફનાં અભાવે હજારો આદિવાસીઓનાં મૃત્યુ થયાં છે. પરંતુ સરકાર સાચાં આંકડાઓ છુપાવે છે અને આદિવાસીઓને પોતાનાં સ્વજનો ગુમાવવાનો વારો આવ્યો છે. આ બધો અન્યાય ગરીબ આદિવાસીઓ મુંગા મોઢે સહન કરી રહી છે આ બાબતે ભરૂચનાં સાંસદ મનસુખ વસાવા એ પણ ઘણીવાર અવાજ ઉઠાવ્યો છે પરંતુ સરકાર આ તમામ બાબતો પર વિચારણા કરવામાં નિષ્ફળ પૂરવાર થઈ છે.

આદિવાસીઓની જમીનના ભોગે અરબો રૂપિયાની કમાણી સરકાર કરે છે પરંતુ સરકાર તરફથી આદિવાસીઓ માટે વસ્તીનાં ધોરણે કોઇ પણ સુવિધાઓ આપવામાં આવતી નથી. જો સરકાર ઊંઘતી રહેશે અને આદિવાસીઓ સાથે આતંકવાદીઓ જેવો વ્યવહાર કરશે તો ઉગ્ર આંદોલન નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવશે.

(5:26 pm IST)