Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

માનવીની મહામૂલી જિંદગી બચાવવા માટે નાગરિકોને સહાયરૂપ થવાને બદલે કોંગ્રેસ હિનકક્ષાની રાજનીતિ કરી રહી છે તે અત્યંત દુ:ખદ અને નિંદનીય : ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા

બેબુનિયાદ આક્ષેપો કરતી કોંગ્રેસ એક વાર રાજસ્થાન અને પંજાબમાં શું હાલ છે તેનું મૂલ્યાંકન કરે, પછી આક્ષેપો કરે

અમદાવાદ : ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવતા પાયાવિહોણા આક્ષેપો સંદર્ભે જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ ટીમ ગુજરાત અવિરતપણે ગુજરાતની જનતાની  પડખે ઉભી છે ત્યારે સત્તા ભૂખી કોંગ્રેસ અભ્યાસ વગરના આક્ષેપો કરી પ્રજાને ગેરમાર્ગે દોરે તે શોભતુ નથી. ભાજપાનો કાર્યકર્તા અને ટીમ ગુજરાત કોરોનાના કાળમાં સદાય પ્રજાની પડખે ખભેખભો મિલાવીને કામગીરીમાં ખડેપગે તૈનાત છે. કોંગ્રેસના એક પણ કાર્યકરે કે નેતાએ જનતાની વચ્ચે જઈને સેવા કરી હોય તો તેનો હિસાબ આપે. કોંગ્રેસના નેતાઓ દ્વારા કરાતી બેફામ ટિપ્પણીઓ તેમના સંસ્કારો અને પોતાની હલકી માનસિકતા છતી કરે છે. એક તરફ દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર વધુને વધુ ઑક્સિજન પ્લાન્ટ ઊભા કરવા, આઇસીયુ બેડ બનાવવા તથા ઇન્જેક્શન - દવાઓની વ્યવસ્થા ઉભી કરવા સહિતના તમામ પ્રયત્નો કરી રહી છે ત્યારે માનવીની મહામૂલી જિંદગી બચાવવા માટે નાગરિકોને સહાયરૂપ થવાને બદલે કોંગ્રેસ હિનકક્ષાની રાજનીતિ કરી રહી છે. તે અત્યંત દુ:ખદ અને નિંદનીય છે.

મંત્રીએ ઉમેર્યું કે, કોરોનાના પ્રથમ તબક્કામાં રાજ્ય સરકારે શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ પૂરી પાડીને લોકોને બચાવ્યા  હતા. તે જ રીતે બીજા તબક્કામાં પણ ટીમ ગુજરાત સતત સર્વોત્તમ આરોગ્ય સેવા પૂરી પાડવા માટે પ્રયત્નશીલ છે ત્યારે બેબુનિયાદ આક્ષેપો કરતી કોંગ્રેસ એક વાર રાજસ્થાન અને પંજાબમાં શું હાલ છે તેનું મૂલ્યાંકન કરે, પછી આક્ષેપો કરે. રાજસ્થાન સરકારની કામગીરી કરતાં ગુજરાત સરકારની કામગીરી સર્વોત્તમ છે. રાજસ્થાનમાં આજની સ્થિતીએ કોરોનાના એકટીવ કેસ ૫,૪૬,૯૬૪ જેની સામે ગુજરાતમાં ૫,૨૪,૭૨૫ કેસ છે. એ જ રીતે રાજસ્થાનનો ડીસ્ચાર્જ રેસીયો ૭૦.૯૩ ટકા જ્યારે ગુજરાતમાં ૭૪.૩૭ ટકા છે. જ્યારે પોઝીટીવીટી રેટ રાજસ્થાનમાં ૬.૫૦ ટકા છે તેની સામે ગુજરાતમાં ૨.૫૮ ટકા છે. રાજસ્થાનમાં અત્યાર સુધીમાં ૮૪,૧૧,૭૯૭ કોરોનાના ટેસ્ટ કરાયા છે તેની સામે ગુજરાતમાં ૧,૭૫,૮૩,૬૪૭ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, રાજ્ય સરકાર નાગરિકોને સર્વોત્તમ સારવાર આપવા માટે કટિબદ્ધ છે અને આરોગ્યની બાબતમાં સહેજ પણ કચાશ ન રહે તે અમારી સરકારની પ્રાથમિકતા છે. કોરોનાના કપરાકાળમાં રાજ્યના નાગરિકોને ત્વરીત સારવાર પૂરી પાડવા માટે મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ટીમ ગુજરાત અવિરતપણે કામગીરી કરી રહી છે. એટલું જ નહિ, માત્ર એપ્રિલ માસમાં જ પાંચ લાખથી વધુ રેમડેસિવિર ઈન્જેક્શન દર્દીઓને વિનામૂલ્યે પૂરા પડાયા છે.
મંત્રીએ  રાજ્યમાં આરોગ્યની ઉભી કરાયેલી સુવિધાઓ અંગે માહિતી આપતા કહ્યું કે, રાજ્યમાં કોરોનાની સારવાર માટે ૧પ માર્ચના રોજ ૪૧,૮૭૦ પથારીઓ ઉપલબ્ધ હતી જે વધારીને આજે ૯૬,૦૬૬ પથારીઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. તે ઉપરાંત અમદાવાદ ખાતે ડી.આર.ડી.ઓના સહયોગથી ૯૦૦ બેડની હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે જેમાં ૨૫૦ આઇ.સી.યુ. બેડની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. રાજ્યની હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો સમયસર ઉપલબ્ધ બને તે માટે સિનિયર અધિકારીઓ ર૪ કલાક મોનિટરીંગ કરી રહ્યા છે. રાજ્યમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ છે. તે ઉપરાંત નવા ૧૧ PSA ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે કામગીરી ચાલુ થઈ ગઈ છે. રાજ્યમાં ઓક્સિજન સાથેના આઇ.સી.યુ. બેડની સુવિધા ૧પ માર્ચના રોજ ૧૬,૦૪૫ હતી જે આજે ૫૪,૫૭૯ આઇ.સી.યુ. બેડ ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. એટલું જ નહિ, રાજ્યમાં ચાલુ મહિનામાં રેમડિસિવિર ઇન્જેકશનનો ૫.૫૦ લાખથી વધુનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે જેથી કોઈ દર્દીને સારવારમાં કોઈ કચાસ ન રહે.
મંત્રીએ ઉમેર્યું કે, અત્યાર સુધીમાં ૧.૧૭ કરોડથી વધુ નાગરિકોને કોવિડ વેક્સિનના પ્રથમ ડોઝથી સુરક્ષિત કરાયા છે. તે ઉપરાંત કોરોનાના ટેસ્ટીંગ પણ વધારી દેવામાં આવ્યા છે જે અંતર્ગત રાજ્યમાં રોજ ૧.૬૦ લાખ જેટલા ટેસ્ટ કરવામાં આવે છે. ઓક્સિજનની જરૂરીયાત વાળા દર્દીઓ માટે માર્ચ  સુધીમાં ૧પ૦ મેટ્રીક ટનની જરૂરિયાત રહેતી હતી જે આજે ૧ હજાર મેટ્રીક ટન છે.  રાજ્યમાં ૧૯૦૭ કોવિડ હેલ્થ ફેસિલીટી ઉપલબ્ધ છે. જેમાં ૧૦૯૫ ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ, ૫૧૯ હેલ્થ કેર સેન્ટર, ૨૯૩ કોવિડ કેર સેન્ટરનો સમાવેશ થાય છે.
તેમણે કહ્યું કે, ભારત સરકારના ગૃહ મંત્રાલયની ૨૬ એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ ગૃહ વિભાગ સાથેની તાકીદની બેઠક પછી રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે એ માટે કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે જેમાં કુલ ૨૯ શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કોરોના કરફ્યુ લગાવવામાં આવ્યો છે. આ નિયંત્રણ તા. ૨૮મી એપ્રિલ-૨૦૨૧ બુધવારથી તા. ૦૫મી મે-૨૦૨૧ બુધવાર સુધી અમલી રહેશે. આ નિયંત્રણો દરમિયાન તે ૨૯ શહેરોમાં તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. સમગ્ર રાજ્યમાં લગ્ન પ્રસંગમાં નિયમો અનુસાર વધુમાં વધુ ૫૦ વ્યક્તિઓ હાજર રહી શકશે અને અંતિમવિધિઓમાં ૨૦ વ્યક્તિઓ હાજર રહી શકશે.
ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મંત્રીમંડળના સભ્યોને જિલ્લા પ્રભારી તરીકે રાજ્યના વિવિધ જિલ્લા તાલુકાની જવાબદારી સોંપી જે તે વિસ્તારમાં કોરોના સંક્રમણને નિયંત્રિત કરવાની કામગીરીની આગામી ત્રણ દિવસમાં સમીક્ષા કરીને યોગ્ય વ્યવસ્થા ગોઠવવા સૂચન કર્યું છે

(6:55 pm IST)