Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

અમદાવાદ : આંગળિયાત પુત્રના નામમાં પિતા તરીકે નામ ઉમેરવાની માંગ :હાઈકોર્ટમાં અરજી

બાળકના જન્મના પ્રમાણપત્રમાં મૂળ પિતાના નામને કારણે શાળા પ્રવેશમાં મુશ્કેલી

અમદાવાદના રાણીપના રહેતા એક વ્યકિતએ (સાવકા પિતા) હાઈકોર્ટમાં અરજી કરી છે કે, તેના આંગળિયાત (પહેલા પતિ કે પહેલી પત્નીનુ બાળક) પુત્રના જન્મના પ્રમાણપત્રમાં નામમાં તેના મૂળ પિતા (બાયોલોજીકલ ફાધર)ના નામના બદલે પિતા તરીકે તેનુ નામ નોંધવામાં આવે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ અંગે અરજી કરવા છતાં તે પિતાના નામને બદલવા માટે ના પાડે છે અને કહે છે કે, પિતાના નામમાં બદલી કરવાની આ પ્રક્રિયા માટે સંબંધિત કોર્ટની મંજૂરી લઈ આવો. સુનાવણી બાદ, હાઈકોર્ટે એએમસીને નોટિસ પાઠવી છે અને જવાબ રજૂ કરવાનો આદેશ કરેલો છે. આ કેસની વધુ સુનાવણી છ જૂને હાથ ધરાશે.

આંગળિયાત બાળકના નામમાં પિતા તરીકે તેનુ નામ જોડવા ઈચ્છતા અરજદારની હાઈકોર્ટમાં રજૂઆત હતી કે, તેણે બાળકના મૂળ પિતાના નામના સ્થાને તેનુ નામ જોડવાની માગ સાથે ત્રીજી માર્ચે એએમસીમાં અરજી કરીને રજૂઆત કરેલી. જો કે, એએમસીએ 24 માર્ચે આ પિતાના નામના ફેરબદલ કરવાની ના પાડી અને કહેલુ કે આ માટે સંબંધિત કોર્ટનો આદેશ લઈને આવો. જેથી, તેમણે હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમની પાસે માન્ય અને નોંધાયેલો દત્તક કરાર છે. એએમસીએ માત્ર તેના આધારે પિતાના નામમાં બદલી કરીને બાળકના જન્મનુ પ્રમાણપત્ર આપવાનુ છે. જો કે, એએમસીના સત્તાધીશો કારણ વગર જ કોર્ટના હુકમની માગ કરે છે.

 

એએમસીના વકીલની રજૂઆત હતી કે, અરજી કરનારે 21 માર્ચે જ તેની અરજી પરત ખેંચેલી છે. જો કે, એએમસીની આ રજૂઆતનો અરજદારના વકીલે વિરોધ કરેલો

 

બાળકની માતાએ તેના પહેલા પતિ સાથે છૂટાછેડા લઈને અરજદાર સાથે બીજા લગ્ન કરેલા છે. આ સમયે, તેના પહેલા પતિથી થયેલા બાળકને (આંગળિયાત) લઈને બીજા પતિના ઘરે આવેલી. આ બાળકને શાળામાં પ્રવેશ સમયે જન્મ તારીખનુ પ્રમાણપત્ર રજૂ કરાયેલુ. જેમાં, બાળકના મૂળ પિતાનુ નામ લખાયેલુ હતુ. બાળકના પિતાના નામના વિવાદના લીધે બાળકને શાળામાં પ્રવેશ લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. જેથી, અરજદારે બાળકના જન્મના પ્રમાણપત્રમા પિતા તરીકે તેનુ નામ ઉમેરવાની માગ સાથે એએમસીના સંબંધિત વિભાગમાં અરજી કરેલી.

(12:54 am IST)