Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

વડોદરામાં પત્‍ની લકવાગ્રસ્‍ત હતા અને પતિનો રખડતા પશુએ હાથ ભાંગી નાખતા પરિવારની હાલત કફોડીઃ કોંગ્રેસના કોર્પોરેટરની આંખમાંથી આંસુ સરી પડયા

ગઇકાલે પણ એક બાળાને પશુએ હડફેટે લેતા 8 ટાંકા આવ્‍યા હતા

વડોદરાઃ વડોદરામાં રખડતા ઢોર અકસ્‍માતમાં નિઝામપુરા વિસ્‍તારમાં ગાયે 65 વર્ષના મુળજીભાઇને હડફેટે લેતા એક હાથ તોડી નાખ્‍યો છે. પરિવારમાં કમાનારા એક વ્‍યકિત જ્‍યારે પત્‍ની લકવાગ્રસ્‍ત હોવાથી આ ગરીબ કુટુંબ પર આભ તુટયુ હોય તેવી સ્‍થિતિ સર્જાઇ છે. તંત્રના પાણે લોકો રખડતા ઢોરના અકસ્‍માતનો ભોગ બની રહ્યા છે તેવુ ચર્ચાઇ રહ્યુ છે.

વડોદરામાં રખડતાં ઢોરનો ત્રાસ યથાવત છે. તંત્રના પાપને કારણે વડોદરાના નાગરિકો રખડતા ઢોરોનો ત્રાસ વેઠી રહ્યાં છે. હવે આ રખડતા ઢોરો રસ્તા પર ફરતા યમરાજ જેવા બન્યા છે. છેલ્લા કેટલાક સમયથી વડોદરામાં રખડતા ઢોરોએ અનેક લોકોને ઈજાગ્રસ્ત કર્યા છે. ત્યારે રખડતાં ઢોરે વધુ એક વ્યક્તિને અડફેટે લીધો છે. નિઝામપુરા વિસ્તારમાં રખડતી ગાયે મૂળજી ક્રિશ્ચન નામના શખ્સને અડફેટે લઈ જમીન પર પાડી દીધો હતો. જેમાં તેમનો હાથ તૂટી ગયો છે. સિક્યોરિટી ગાર્ડની નોકરી કરતા 65 વર્ષના મૂળજીભાઈ પરિવારમાં એકમાત્ર કમાનારા વ્યક્તિ છે. જેમના કારણે ઘર ચાલતુ હતું, તેમનો હાથ ભાંગી જતા પરિવાર પર આભ તૂટી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

પત્ની લકવાગ્રસ્ત, અને પતિનો હાથ ભાંગી ગયો

શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રહેતા મૂળજી ક્રિશ્ચન નામના શખ્સને રખડતી ગાયે અડફેટે લેતાં તેમને ઈજાઓ પહોંચી છે. નિઝામપુરા વિસ્તારમાં ગાયે 65 વર્ષીય મૂળજી ક્રિશ્ચનને અડફેટે લઈ જમીન પર પાડી દીધા હતા. જેમાં તેમનો હાથ તૂટી ગયો છે. મૂળજીભાઈ ભાડાના મકાનમાં રહે છે, ઘરમાં ગેસનો બોટલ ભરાવવા પણ પૂરતા રૂપિયા નથી. પરિવારમાં 65 વર્ષના મૂળજીભાઈ એકમાત્ર કમાનારા વ્યક્તિ છે. તેઓ સિક્યોરિટીની નોકરી કરી ઘર ચલાવે છે. મૂળજીભાઈની પત્ની લકવાગ્રસ્ત છે. તેમની પાસે એટલા રૂપિયા પણ ન હતા, કે તેઓ ખાનગી હોસ્પિટલમાં જઈ શકે. ગાયે અડફેટે લેતા સરકારી હોસ્પિટલમાં જઈ મૂળજીભાઈ પાટો બંધાવી આવ્યા હતા.

કોંગ્રેસના કોર્પોરેટર રડી પડ્યા

વડોદરા પાલિકાની ઢોર પાર્ટીની ટીમો રોજ 30 થી વધુ ગાયો પકડી પાંજરે પૂરી રહી છે, છતાં રસ્તા પર ઢોર ફરી રહ્યાં છે, તેમજ અકસ્માતના બનાવો યથાવત છે. કોંગ્રેસ કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા ઇજાગ્રસ્ત મૂળજીભાઈની મુલાકાત લેવા તેમના ઘરે પહોંચ્યા હતા. ત્યારે કોંગ્રેસ કોર્પોરેટર પીડિત પરિવારની મુલાકાત લેતા સમયે રડી પડ્યા હતા. મૂળજી ક્રિશ્ચનના પત્ની માર્થાબેન ક્રિશ્ચન રડતા કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાના આંખમાઁથી આસું નીકળ્યા હતા. ત્યારે કોંગ્રેસ કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ શાસકો પર પ્રહાર કર્યા હતા. પીડિત પરિવારને વળતર ચૂકવવા માંગ કરી છે.

ગઈકાલે ગાયે અડફેટે લેતા બાળકીને 7 ટાંકા આવ્યા

ઉલ્લેખનીય છે કે, વડોદરામાં રખડતાં ઢોર બન્યા માથાનો દુખાવો બન્યો છે. ગઈકાલે જ રખડતી ગાયે કોયલીથી પરત ફરતા પરિવારને અડફેટે લીધો હતો. ગાયની ટક્કરથી 9 વર્ષિય બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી, જેમાં ઈજાગ્રસ્ત બાળકીને 7 ટાંકા લેવા પડ્યા હતા.

વડોદરામાં દિવસને દિવસે રખડતા ઢોરોના આતંકના બનાવ વધી રહ્યા છે. વડોદરા સહિત ગુજરાતમાં પણ આ પહેલા આખલા અને રખડતાં ઢોરની અડફેટે ગંભીર અકસ્માતની ઘટનાઓ બની ચુકી છે. વડોદરાની જ વાત કરીએ તો થોડા દિવસ પહેલા જ વાઘોડિયા રોડ પર ડિવાઈડર કુદીને આવેલી ગાયે યુવકને શિંગડે ભરાવતા 18 વર્ષના હેનીલ પટેલને આંખ ગુમાવવાનો વારો આવ્યો હતો.

 ત્યારે સવાલ એ છે કે, તંત્રની બેદરકારીનો હજી કેટલા લોકો બનશે ભોગ? વારંવાર હુમલા થાય છે તેમ છતાં તંત્ર મૌન કેમ? રખડતાં ઢોરના ત્રાસમાંથી ક્યારે મળશે મુક્તિ? તંત્રના બહેરા કાન સુધી લોકોની વ્યથા ક્યારે પહોંચશે? ઢોરને પકડતા અધિકારીઓ સામે થશે કાર્યવાહી?

(4:53 pm IST)