Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

બનાસકાંઠાના ડીસાના કૂંપટ ગામના યુવાનના વરઘોડા મુદ્દે 2 સમાન વચ્‍ચે બઘડાટીઃ 3 પોલીસ કર્મચારી અને 15 ગ્રામજનોને ઇજા

ઇજાગ્રસ્‍તોને સારવાર માટે ખસેડાયાઃ જીલ્લા પોલીસ વડા કાફલા સાથે દોડી ગયા

ડીસાઃ ડીસાના કૂંપટ ગામે ઠાકોર સમાજના યુવકનો વરઘોડો કાઢવા બાબતે ગામના દરબાર સમાજના લોકોએ હૂમલા અને પથ્‍થરમારો કરી ધમાલ મચાવતા બંદોબસ્‍તમાં આવેલા ત્રણ પોલીસકર્મી અને 15 લોકો ઇજાગ્રસ્‍ત થતા સરકારી હોસ્‍પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્‍યા છે. જિલ્લા પોલીસ વડા કાફલા સાથે ઘટના સ્‍થળે પહોંચ્‍યા હતા.

બનાસકાંઠાના ડીસાના કૂંપટ ગામે આજે વરઘોડો કાઢવા મામલે બે જૂથો વચ્ચે બબાલ થતાં બબાલને લઈને બંદોબસ્ત માટે પહોંચેલી પોલીસ પર ટોળાએ પથ્થરમારો કરતાં પોલીસની ગાડીઓના કાચ તૂટ્યા હતા. ત્રણ પોલીસકર્મીને ઈજાઓ પહોંચતા સારવાર માટે ડીસાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ડીસા તાલુકાના કૂંપટ ગામે આજે ડીસા તાલુકા પોલીસ પર હુમલો થયો હોવાની ઘટના બની છે. કૂંપટ ગામે આજે ઠાકોર સમાજના યુવકના લગ્ન હતા . લગ્નમાં દરબાર સમાજના લોકોએ વરઘોડો કાઢવાની ના પાડી હતી તેમ છતાં યુવકે વરઘોડો કરતા બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. બનાવને પગલે ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી બંને જૂથોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે તે સમયે દરબાર સમાજના ટોળાએ અચાનક પથ્થરમારો કરી હુમલો કર્યો હતો.

જેમાં પોલીસની ગાડીઓના કાચ તૂટ્યા હતા અને 15 જેટલા લોકો ઘાયલ થાય હતા. તો આ હુમલામાં બંદોબસ્ત માટે આવેલ દાંતીવાડા પી.એસ.આઇ અને બે પોલીસ કોન્સ્ટેબલ સહિત 3 પોલીસકર્મીને ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓને અને ઘાયલોને તાત્કાલિક ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. હુમલાની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. વધુ પરિસ્થિતિ ન વણસે તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. અત્યારે ગામમાં કરફ્યુ જેવો માહોલ સર્જાયો છે, જ્યારે પોલીસે હુમલો કરનારા લોકોની શોધખોળ હાથ ધરી તેમની અટકાયત કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી.

(4:57 pm IST)