Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

આઇપીએલ મેચના કારણે સ્‍ટેડીયમ વિસ્‍તારમાં ટ્રાફિક તંત્ર માટે પડકારઃ પાર્કિંગ માટે ઓનલાઇન પેમેન્‍ટ

સ્‍ટેડીયમ આસપાસના લતાવાસીઓ ચાર્જ લઇ ચાલીઓમાં પાર્કિંગ કરાવી શકશેઃ તગડી કમાણીની આશાઃ ટુ વ્‍હીલરના રૂપિયા 50-ફોર વ્‍હીલરના 150

અમદાવાદઃ અમદાવાદમાં સ્‍ટેડીયમ વિસ્‍તારમાં વધારે ટ્રાફિક ફાઇનલ મેચમાં રહેશે. આ ટ્રાફિક તંત્ર માટે મોટો પડકાર છે. તંત્ર દ્વારા આસપાસની સોસાયટીના લોકો ચાલીઓ અને માલિકીની જગ્‍યામાં ચાર્જ લઇ પાર્કિંગ કરાવી શકશે. ટુ વ્‍હીલરના 50 રૂપિયા જ્‍યારે ફોર વ્‍હીલરના 150 ચાર્જ રહેશે. ઘેર બેઠા લોકો તગડી કમાણી કરી શકશે તેવી આશા સેવાઇ રહી છે.

IPL ની હાલની સીઝન અંતિમ તબક્કા તરફ પહોંચી ચુકી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આજે ક્વોલિફાયર-2 માં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટકરાવા જઇ રહ્યા છે. જ્યારે રવિવારે ફાઇનલમાં 1.32 લાખની ક્ષમતા સાથે વિશ્વની સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ આ બંન્ને મુકાબલાની તૈયારી માટે સજ્જ થઇ ચુક્યું છે. આજે સેમી ફાઇનલ સાંજે 07.30 વાગ્યે અને ફાઇનલ મેચ 8 વાગ્યે શરૂ થશે. જો કે આ મોટા આયોજન અગાઉ બંન્ને મેચ માટે 52 હજાર લોકોએ ઓનલાઇન પાર્કિંગ બુક કરાવ્યું છે. સ્ટેડિયમની આસપાસની સોસાયટીઓ અને ચાલીઓમાં ચાર્જ આપીને પાર્કિંગ કરી શકાશે.

અમદાવાદમાં સૌથી વધારે ટ્રાફીક ફાઇનલ મેચમાં રહેશે. જેના કારણે રવિવારે આસપાસની સોસાયટીના લોકો સાથે વાત કરીને પણ તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મકાન માલિકો ઇચ્છે તો પોતાના ઘરની આસપાસ ગાડી પાર્ક કરવાના બદલે ચાર્જ લઇ શકે છે. સોસાયટીઓએ પોતે આ પ્રકારનું આયોજન કરવાનું રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિવિધ રેસ્ટોરન્ટ્સ અને હોટલ્સમાં પણ નાની મોટી સ્ક્રિન લગાવીને લોકો આઇપીએલનો આનંદ ઉઠાવી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં વાહન પાર્ક કરવા માટે પ્રેક્ષકોને એડવાન્સ પાર્કિંગ પૈસા ઓનલાઇન ચુકવવા પડશે. આ પાર્કિંગ સ્લોટ બુક કરતા સમયે જ પેમેન્ટ કરવાનું રહેશે. જેમાં ટૂ વ્હીલર્સના પાર્કિંગ માટે 50 રૂપિયા અને કાર માટે 150 રૂપિયા ચુકવવા પડશે. શુક્રવાર અને રવિવારના દિવસના પાર્કિંગ માટે પ્રેક્ષકોએ 27 લાખ રૂપિયા જેટલી રકમ ચુકવવી પડશે. આટલા મોટા પ્રમાણમાં આવનારા નાગરિકો અને વાહનો માટે પાર્કિંગની તૈયારી કરવી અને પાર્કિંગને મેનેજ કરવો પોલીસ માટે સૌથી મોટો પડકાર છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં આવી રહેલા સેલેબ્રિટિઝ અને VIP મુવમેન્ટ વચ્ચે આ બધી તૈયારી કરવી તે સૌથી મોટો પડકાર છે.

(5:24 pm IST)