Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

આણંદ એસઓજીની ટીમે પેટ્રોલિંગ દરમ્યાન સામરખા ચોકડી નજીકથી પોલીસે કારમાં ત્રણ શખ્સોને 1.91 લાખના દારૂના જથ્થા સાથે ઝડપી પાડયા

આણંદ : આણંદ એસઓજી પોલીસની ટીમે ગતરોજ પેટ્રોલીંગ દરમ્યાન આણંદની સામરખા ચોકડીથી નડિયાદ જવાના માર્ગ ઉપર એક હોટલ નજીકથી બે કારમાં ભરેલ વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્શોને ઝડપી પાડયા હતા. પોલીસે વિદેશી દારૂનો જથ્થો, બે મોબાઈલ ફોન, બે કાર તથા રોકડ મળી કુલ્લે રૂા.૧.૯૧ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે લઈ ઝડપાયેલ ત્રણેય શખ્શો વિરૂધ્ધ પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આણંદ સામરખા ચોકડીથી નડિયાદ જવાના રસ્તાની સાઈડમાં એક હોટલની આગળ બે મોટરકાર પડેલ છે જેમાં દારૂની હેરાફેરી થનાર હોવાની મળેલ બાતમીના આધારે આણંદ એસઓજી પોલીસની ટીમે ગઈકાલે રાત્રિના સુમારે બાતમીવાળા સ્થળે ઓચિંતો છાપો મારી બે મોટરકાર સાથે ત્રણ વ્યક્તિઓને ઝડપી પાડયા હતા. પોલીસે કારની તલાશી લેતાં અદરથી વિદેશી દારૂની અલગ-અલગ માર્કાની ૨૩ બોટલ મળી આવી હતી. જેની અંદાજિત કિંમત રૂા.૫૦,૧૦૫ જેટલી થવા જાય છે. પોલીસે ઝડપાયેલ શખ્શોના નામ-ઠામ અંગે પુછપરછ કરતા તે કરનસિંહ ઉર્ફે ફૌજી બાલસિંહ શેખાવત (રહે.સીમરાથલ બેરા નાગોરિ બેરા જોધપુર, રાજસ્થાન), ભોજરાજનાથ અનાનાથ નાથ (રહે.વોર્ડ નં.૬, શહાજસર, તા.સરદાર શહર, જી.ચુરૂ, રાજસ્થાન) અને મિતેશ ઉર્ફે સોમાજી સરગરા (રહે.નડિયાદ, મલારપુરા, છાંટીયાવાડ લીમડી ખોડિયાર  શેરી, તા.નડિયાદ, જિ.ખેડા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે ઝડપાયેલ શખ્શોની અંગજડતીમાંથી રોકડા રૂા.૫૫૦, ત્રણ મોબાઈલ ફોન (અંદાજિત કિંમત રૂા.૧૦,૫૦૦), બે મોટરકાર અને વિદેશી દારૂનો જથ્થો મળી કુલ્લે રૂા. ૧,૯૧,૧૫૫નો મુદ્દામાલ જપ્ત  કરી ઝડપાયેલ ત્રણેય શખ્શો વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:07 pm IST)