Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડી 10 જુગારીઓને રંગે હાથે ઝડપી પાડયા

ગાંઘીનગર :  ગાંધીનગર જિલ્લાના ગ્રામ્યવિસ્તારમાં શ્રાવણ પહેલા જ તિનપત્તીનો જુગાર રમતા ખેલીઓની મંડળી જામી છે ત્યારે પોલીસ દ્વારા પણ આ ખેલીઓને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. લેકાવાડા અને કસ્તુરીનગરમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ૧૦ જેટલા જુગારીઓને પકડી પાડયા છે જેમની પાસેથી ૪૩ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

છેલ્લા ઘણા દિવસોથી ગાંધીનગર જિલ્લાના ગ્રામ્યવિસ્તારમાં જુગારનું પ્રમાણ વધ્યું છે પોલીસ ઠેકઠેકાણે દરોડા પાડીને જુગારધામ ઝડપી રહી છે ત્યારે અડાલજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, શેરથાના કસ્તુરીનગરપરામાં કેટલાક શખ્સો ભેગા મળીને તિનપત્તીનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના પગલે દરોડો પાડીને કસ્તુરીનગરમાં રહેતા અમરતજી બાબુજી ઠાકોર, કરણ ગણપતજી ઠાકોર, સુનિલ અમરતજી ઠાકોર, સુરેશ સનાજી ઠાકોર અને સુરાજી સકરાજી ઠાકોરને ૧૩,૮૪૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા. બીજીબાજુ ચિલોડા પોલીસે લેકાવાડા ગામે સાબરતમી નદીના પટમાં જુગાર રમતા લેકાવાડા ગામના રણજીતજી મંગાજી ઠાકોર, આકાશસિંહ કરણસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ મનહરસિંહ વાઘેલા, અજીતસિંહ હેમતુજી વાઘેલા અને જસવંતસિંહ જુજારસિંહ વાઘેલાને ઝડપી લીધા હતા જેમની પાસેથા મોબાઇલ અને રોકડ મળીને ૨૯,૭૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. 

(5:28 pm IST)