Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

સુરતમાં 13 વર્ષીય કિશોરીને લગ્નની લાલચ આપી ભગાડી જનાર યુવાનને 20વર્ષની સજાની સુનવણી કરવામાં આવી

સુરત:શહેરમાં ત્રણેક વર્ષ પહેલાં ચોકબજાર પોલીસ મથકના હદમાં રહેતી 13 વર્ષ પાંચ માસની વયની તરૃણીને લગ્નની લાલચે બળજબરીથી પોતાની સાથે લઈ જઈ બળાત્કાર ગુજારનાર આરોપી યુવકને આજે પોક્સો કેસોની ખાસ  અદાલતના એડીશ્નલ સેશન્સ જજ દિલીપ પી. મહીડાએ તમામ ગુનામાં દોષી ઠેરવી પોક્સો એક્ટના ભંગ બદલ 20 વર્ષની સખ્તકેદ અને દંડનો હુકમ કર્યો હતો. ચોક બજાર પોલીસ મથકના હદ વિસ્તારમાં રહેતી 13 વર્ષ પાંચ માસની વય ધરાવતી  તરૃણીને તા.8-9-2019ના રોજ રાત્રે રૃમની ચાવી ન આપે તો તેના પિતા તથા ભાઈને મારી નાખવાની ધમકી આપી મૂળ બિહારના મુઝફફર પુરના વતની 23 વર્ષીય આરોપી ઈમ્તિયાઝ ઉર્ફે નનકી મોહમદ હુશેન શેખ (રે.મદીના મસ્જિદની બાજુમાં,ફુલવાડી ભરીમાતા રોડ)એ લગ્નની લાલચે તરૃણીને સુરત રેલ્વે સ્ટેશન લઈ ગયો હતો. પરંતુ અજમેર જવાની ટ્રેન ન હોઈ તરૃણીને પંડોળ સહયોગ ઈન્ડસ્ટ્રીઝ સોસાયટીના રૃમમાં લઈ જઈને તેની ઈચ્છા વિરુધ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. તરુણીની માતાએ ચોકબજાર પોલીસમાં પોક્સો એકટના ભંગ બદલ ફરિયાદ નોંધાવતા આરોપીને જેલભેગો કરાયો હતો. કેસની અંતિમ સુનાવણીમાં સરકાર પક્ષે એપીપી વિશાલ ફળદુએ આરોપી વિરુધ્ધ મુખ્ય ત્રણ સાક્ષી ભોગ બનનાર, તેના માતા પિતા, બે તબીબી સાક્ષી, દશ પંચ સાક્ષીઓ, ચાર પોલીસ સાક્ષી સહિત કુલ 24 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. જેના આધારે કોર્ટે આરોપીને તમામ ગુનામાં દોષી ઠેરવી પોક્સો એક્ટના ભંગના ગુનામાં ઉપરોક્ત મહત્તમ 20 વર્ષની સખ્તકેદ તથા 20 હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદની સજા ફટકારી છે. ભોગ બનનાર તરૃણીને કોર્ટે આરોપી કુલ રૃ.40 હજાર દંડ ભરે તો વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૃ.1 લાખ સહિત 1.40 લાખ વળતર ચુકવવા નિર્દેશ આપ્યો છે.

(5:33 pm IST)