Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

કેવડીયા ઝૂ માટે ૪૦ જેટલા સાવજોનું 'ટ્રેડીંગ' કરશે ગુજરાત

જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી ૪૦ જેટલા સાવજોને દેશના વિવિધ પ્રાણી સંગ્રહાલયોમાં મોકલી બદલામાં બીજા પ્રાણીઓ મેળવાશે : સાવજોના એક્ષચેન્જ પ્રોગ્રામને મુખ્યમંત્રીએ આપી લીલીઝંડીઃ કેવડીયા ખાતે બે હીપોપોટેમસ અને પાંચ બ્રો પ્રકારના હરણ મેળવાશેઃ સક્કરબાગમાંથી એક સિંહ અને બે સિંહણને દિલ્હી મોકલાશે

નવી દિલ્હી, તા. ૨૮ :. ગુજરાત દેશભરના પ્રાણી સંગ્રહાલયો માટે જૂનાગઢના સક્કરબાગમાંથી ૪૦ જેટલા સિંહોનો 'વેપાર' કરશે. શાહી જાનવર ગણાતા સાવજનું વિનીમય મૂલ્ય ઉંચુ હોવાથી પ્રત્યેક સાવજ અનેક જાનવરોને ગુજરાત લાવવામાં મદદરૂપ બનશે. ગુજરાત આવનાર તમામ પ્રાણીઓને કેવડીયા પ્રાણી સંગ્રહાલય ખાતે રાખવામાં આવશે. રાજ્ય સરકારે એક્ષ્ચેંજ પ્રોગ્રામને મંજુરી આપી દીધી છે અને સક્કરબાગ ઝૂના સત્તાવાળાઓને એવા સાવજની ઓળખ કરવા જણાવ્યુ છે કે જેઓ સબ-એડલ્ટ હોય.

ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન શ્યામલ ટીકાદારે જણાવ્યુ છે કે સાવજોની ટ્રાન્સફરને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંજુરી આપી દીધી છે. સક્કરબાગમાંથી સિંહોને મોકલી બદલામાં બીજા જાનવરો મેળવવામાં આવશે અને તે કેવડીયા ઝૂ ખાતે રાખવામાં આવશે.

ગુજરાત વન વિભાગના સૂત્રોએ જણાવ્યુ છે કે, સિંહોની ટ્રાન્સફર હોવાથી એટલે કે એક્ષચેન્જની બાબત હોવાથી મુખ્યમંત્રીની મંજુરી જરૂરી હોય છે અને મંજુરી મળી ગઈ છે અને હવે બાકીની વિધી પુરી કરવામાં આવી રહી છે.

સૂત્રોએ જણાવ્યુ છે કે ગુજરાતથી દિલ્હીના પ્રાણી સંગ્રહાલયને ૩ સિંહો આપવામાં આવશે જે બ્રીડીંગ માટે હશે. સેન્ટ્રલ ઝૂ ઓથોરીટીએ એક સિંહ અને બે સિંહણને સક્કરબાગથી દિલ્હી મોકલવા મંજુરી આપી દીધી છે. અત્રે નોંધનીય છે કે જૂનાગઢ ખાતે આવેલ સક્કરબાગ ઝૂ એશીયન સાવજો માટેનું બ્રીડીંગ સેન્ટર પણ છે. સૂત્રોએ જણાવ્યુ છે કે સાવજોના બદલામાં દિલ્હીનું ઝૂ કેવડીયા ઝૂ માટે બે હીપોપોટેમસ અને પાંચ બ્રો-હરણ આપશે.

અધિકારીઓએ જણાવ્યુ છે કે દક્ષિણના રાજ્ય અથવા તો રાજસ્થાનથી ઘડીયાલ (ગેવીયલીસ ગેંગેટીકસ) પણ મેળવવાના પ્રયાસો ચાલુ છે. સૂત્રોએ એમ પણ કહ્યુ હતુ કે ચેન્નઈ, હૈદરાબાદ, આસામ અને ભોપાલ પણ ગુજરાત સાથેના સંપર્કમાં છે અને સિંહના બદલામાં તેઓ બીજા પ્રાણીઓ ગુજરાત મોકલવા તૈયાર છે. જો કે હજુ આ અંગેની કોઈ પુષ્ઠી મળી નથી.

સૂત્રોએ જણાવ્યુ છે કે સક્કરબાગ ઝૂમાંથી જે સાવજોને મોકલવામાં આવશે તેઓ સબ-એડલ્ટ અથવા તો ત્રણ વર્ષની નીચેની વયના હશે.

દરમિયાન કેવડીયા ઝૂને સક્કરબાગ ઝૂમાંથી રીંછની એક પેર(જોડી) આપવામાં આવશે. સૂત્રોએ જણાવ્યુ છે કે હાલ વિવિધ પ્રાણી સંગ્રહાલયોમાં ૧૧૫ જેટલા સિંહોની ફૌજ છે. જેમાંથી ૮૫ જેટલા સક્કરબાગ ઝૂમાં જ છે.

(11:09 am IST)