Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

પૂ.હરિપ્રસાદ સ્વામીનાં અંતિમ દર્શનાર્થે ભકતોનું ઘોડાપુરઃ મંદિર બહાર એક કિલોમીટરની લાંબી લાઇન

વડોદરા,તા. ર૮ : સ્વામિનારાયણ મંદિર હરિધામ અને યોગી ડિવાઈન સોસાયટીના સ્થાપક પૂ.હરિપ્રસાદ સ્વામીજી સોમવારે રાત્રે ૧૧ વાગ્યે ૮૮ વર્ષની વયે બ્રહ્મલીન થયા છે. જે બાદ હજારો ભાવિકોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. આજે તેમના પાર્થિવ દેહને દર્શનાર્થે મૂકવામાં આવ્યો છે. ત્યારે હજારોની સંખ્યામાં તેમના ભકતો તેમની અંતિમ ઝલક મેળવવા આવી ગયા છે. ભકતો દાસનાં અંતિમ દર્શન કરીને ચોંધાર આંસુએ રડી રહ્યાં છે. જેમાં અનેક યુવાનો પણ તેમાં જોડાયા છે. હરિધામ સોખડા ખાતે મંદિરની બહાર એક કિલોમીટર સુધીની લાંબી લાઇનો છે. ત્રણ તબક્કામાં હરિભકતોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

હરિભકતો કહી રહ્યાં છે, કે અમે પૂ. હરિપ્રસાદ સ્વામીજીનાં જીવન પરથી બોધ લઇને તેમને આપેલા આશીર્વચનોનું પાલન કરીશું. કોઇ આપણી તરફ આત્મીય બને કે ન બને પણ જાતે આત્મીય બનીને અન્યોની સેવા કરીશું. આજે મોટી સંખ્યામાં ભકતો દર્શનાર્થે જોડાયા છે. ત્યારે બધા હરિભકતોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું જણાવવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, પૂ. હરિપ્રસાદ સ્વામીના નશ્વર દેહને શનિવાર ૩૧ જુલાઈ સુધી ભકતોના દર્શનાર્થે મુકવામાં આવશે. ત્યારબાદ ૧ ઓગસ્ટે બપોરે ૨.૩૦ કલાકે અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવશે છે. જેમાં મોટી સંખ્યામાં હરિભકતો દર્શન કરવા આવશે. પ્રદેશ પ્રમાણે, દર્શન માટેનો દિવસ અને સમય નક્કી કરાયો છે.

(12:53 pm IST)