Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

ગાંધીનગરમાં સે-30માં પોસ્ટ ઓફિસની યોગ્ય જાળવણી કરવામાં ન આવતા લોકોને પરેશાની

ગાંધીનગર: શહેરની રચના વખતે સેક્ટરોમાં વસવાટ કરતાં સ્થાનિક રહિશોને પોસ્ટની સુવિધા પ્રાપ્ત થઇ શકે તે માટે પોસ્ટ ઓફિસ ઉભી કરવામાં આવી હતી. અગાઉ આ કચેરીઓ સરકારી આવાસોમાં ચાલી રહી હતી. તબક્કાવાર નવા મકાનોની ફાળવણી કરાયાં બાદ સેક્ટરોમાં હાલ દરેક પોસ્ટ ઓફિસનું અલાયદુ મકાન આવેલું છે. ત્યારે શહેરના સેક્ટર-૩૦માં તંત્ર દ્વારા બનાવવામાં આવેલી પોસ્ટ ઓફિસની સમયાંતરે જાળવણી કરવામાં નહીં આવતાં દિનપ્રતિદિન બિસ્માર હાલતમાં મુકાઇ રહી છે. હાલમાં ચોમાસાની મોસમ ચાલી રહી છે ત્યારે વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ થઇ શકે તે પ્રકારની સુવિધા નહીં હોવાના કારણે પોસ્ટ કચેરીના પ્રવેશદ્વાર તેમજ પરિસરમાં વરસાદી પાણી ભરાયેલું રહે છે. જેના પગલે કાદવકીચડનું સામ્રાજ્ય છવાય જાય છે. પોસ્ટની સુવિધા મેળવવા માટે આવતાં સિનિયર સિટિઝનોને પાણી ભરાવાના કારણે કાદવકીચડમાંથી પસાર થવાની નોબત આવે છે તો ઘણી વખત સ્લીપ પણ થઇ જતાં હોય છે. તો બીજી તરફ કંપાઉન્ડ વોલ પણ તુટી જવા છતાં તેનું રીપેરીંગ કરવામાં આવતું નથી તો પાર્કિંગની પણ યોગ્ય સુવિધા નહીં હોવાના કારણે વાહન લઇને આવતાં પોસ્ટના ગ્રાહકોને  મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જુના વૃક્ષોના થડ પણ જ્યાં ત્યાં પડી રહેલાં હોવાથી કચરા અને ગંદકીમાં વધારો થઇ રહ્યો છે. 

 

(5:41 pm IST)