Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

ઈપીએફઓ અમદાવાદ દ્વારા બે મહિનામાં 435 વીમાના દાવાની પતાવટ કરીને 13,24,56,426ની રકમ ચૂકવાઈ

સાત લાખ સુધીના વીમા લાભ પુરા પાડવા માટે ઇપીએફઓ દ્વારા જાગુત્તિ અભિયાન શરૂ કરાયું

અમદાવાદ : ઇપીએફઓની પ્રાદેશિક કચેરી, અમદાવાદ દ્વારા છેલ્લાં બે મહિનામાં 435 વીમાના દાવાની પતાવટ કરવામાં આવી છે. આ વીમાના લાભ સ્વરૂપે રૂપિયા 13,24,56,426ની રકમ ચુકવવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ આ જ સમયગાળા દરમિયા 573 વધારાના કલેઇમમાં વિધવાઓ તથા બાળકો માટે પેન્શન શરૂ કરાયું હતું. સાત લાખ સુધીના વીમા લાભ પુરા પાડવા માટે ઇપીએફઓ દ્વારા જાગુત્તિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

પ્રાદેશિક કચેરી, અમદાવાદ દ્વારા જણાવ્યા મુજબ ઇપીએફઓએ તાજેતરમાં ઇડીએલઆઇ યોજના હેઠળ મહત્તમ વીમા લાભ વધારીને 7 લાખ કરી દીધો છે. લઘુત્તમ રકમ પણ વધારીને 2,5 લાખ કરવામાં આવી છે. ઇપીએફ સભ્યોના પરિવારો કે જેઓ સેવા દરમિયાન મુત્યુ પામ્યા છે. તેઓ આ લાભો માટે પાત્ર બનશે. આ સિવાય પરિવારોને વિધવા પેન્શન, ચિલ્ડ્રન્સ પેન્શન, આશ્રિત પેરેન્ટસ પેન્શન જેવી પેન્શન માટે પણ પાત્ર છે. જો માતા-પિતા બંને મુત્યુ પામ્યા છે. તો બાળકોને અનાથ પેન્શન માટે પાત્ર છે. સભ્યના પી.એફ. ખાતામાં પી.એફ.ની રકમ પણ પરિવારના સભ્યોને ચુકવવામાં આવશે.

છેલ્લાં દોઢ વર્ષમાં કોવિડ 19 રોગચાળાના કારણે અથવા અન્ય કારણે ઘણાં લોકો મુત્યુ પામ્યા છે. તેમાંથી કેટલાંક ઇપીએફઓના સભ્ય હોઇ શકે છે. જો કે યોજનાના ફાયદાઓ વિશે જાગૃતિનો અભાવ અથવા પી.એફ. સભ્યપદ વિશેની માહિતીના અભાવના કારણે તેમના વારસદાર દ્વારા ઇપીએફઓ કચેરીમાં કોઇ પી.એફ, પેન્શન અથવા વીમા દાવા રજૂ કરી શકયા નથી. તેથી ઇપીએફઓ આવા વ્યક્તિઓને શોધી અને દાવા રજૂ કરવાની સુવિધા આપવા માટે ઇપીએફઓએ જાગુતિ અભિયાન શરૂ કર્યું છે.

પ્રાદેશિક કચેરી, અમદાવાદે પ્રજાને અપીલ કરી છે કે જો તમારા નજીકના કોઇપણ વ્યક્તિનું મૃત્યુ કોવિડ 19 રોગચાળાને કારણે અથવા અન્ય કારણોસર છેલ્લાં દોઢ વર્ષ દરમિયાન મુત્યુ થયું હોય અને મુતક વ્યક્તિ એવી સંસ્થામાં કામ કરતા હતા. કે જયાં કર્મચારી પ્રોવિડન્ટ ફંડ અને વિવિધ જોગવાઇઓ અધિનિયમ, 1952ના દાયરા હેઠળ આવે છે અને મુતક વ્યક્તિના સંબંધીઓ અને પરિવારે ઇપીએફઓમાં પી.એફ. પેન્શન અને વીમા દાવા હજુ સુધી રજૂ કર્યા નથી. આવા સભ્યની વિગતો એટલે કે મુતક સભ્યનું નામ, સરનામું, આધાર નંબર, મોબાઇલ નંબર વગેરે પ્રાદેશિક કચેરી, અમદાવાદને ઇ મેઇલ દ્વારા ro.ahmedabad@epfindia.gov અથવા વોટ્સઅપ દ્વારા 7383146935 નંબર પર મોકલી આપવા વિનંતી કરવામાં આવી છે.

વધુમાં એમ પણ જણાવ્યું છે કે, એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન, ભવિષ્ય નિધિ ભવન, ઇન્કમટેક્ષ ચાર રસ્તા, અમદાવાદ ઓફીસે રૂબરૂમાં આવીને માહિતી આપી શકો છો. આ માટે ઇપીએફઓ ઓફીસમાં ડ્રોપ બોક્સ સુવિધા પણ ઉપલબ્ધ છે. જેમાં તમે આ માહિતીને લદતા પત્ર પણ નાંખી શકો છો

(8:12 pm IST)