Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

અમદાવાદ મનપાના અધિકારીઓ અને રેલવે DRM વચ્ચે બેઠકો યોજાઈ પણ પ્રોપર્ટી ટેક્સનો મુદ્દો વણઉકેલ જ રહ્યો !!

તંત્ર એક દાયકાથી રેલવે પાસે પ્રોપર્ટી ટેક્સની ઉઘરાણી કરે પણ કોઈ ગણકારતું નથી: રેવન્યુ કમિટીના ચેરમેને રેલવે મંત્રીને પત્ર લખ્યો

અમદાવાદ : અમદાવાદ મનપાના અધિકારીઓ અને રેલવે DRM વચ્ચે બેઠકો થઇ પણ પ્રોપર્ટી ટેક્સનો મુદ્દો ઉકેલાયો નથી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તંત્ર એક દાયકાથી રેલવે પાસે પ્રોપર્ટી ટેક્સની ઉઘરાણી કરે છે પણ કોઈ ગણકારતું નથી. એક દાયકા જુના પ્રોપર્ટી ટેક્સના વિવાદમાં કોઈ ઉકેલ આવે તેમ લાગતું નથી પણ આજે મળેલી રેવન્યુ કમિટી બાદ ચેરમેન જૈનિક વકીલે સત્તાવાર પ્રેસનોટમાં જણાવ્યું છે કે, AMCના રેવન્યુ કમિટીના ચેરમેને રેલવે મંત્રીને પત્ર લખ્યો છે અને રેલવેની અમદાવાદની મિલકતોનો 20.88 કરોડ પ્રોપર્ટી ટેક્સ ચુકવવા રજુઆત છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોેરેશને શહેરમાં કાલુપુર રેલવે સ્ટેશન સહિત રેલવેની તમામ મિલકતોની આકરણી કરીને પ્રોપર્ટી ટેક્સના બિલ ફટકાર્યા હતા પણ રેલવે આ મુદ્દે છેક સુપ્રિમ કોર્ટ સુધી લડી હતી પણ સુપ્રિમ કોર્ટનો ચુકાદો અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના પક્ષમાં આવ્યો હતો જેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને રેલવે પાસે 20.88 કરોડનો પ્રોપર્ટી ટેક્સ લેવાનો નીકળે છે પણ તે આપતી નથી.

આજે મળેલી રેવન્યૂ કમિટીમાં પ્રોપર્ટી ટેક્સની આવક અંગે ચર્ચા થઇ હતી જેમાં રેવન્યૂ કમિટીએ જણાવ્યું હતુ કે, ચાલુ વર્ષ દરમિયાન 1લી એપ્રિલ 2021થી  27 જુલાઇ 2021 સુધીમાં 560.59 કરોડની પ્રોપર્ટી ટેક્સની આવક થઇ છે, ગત વર્ષમાં આ સમયગાળા દરમિયાન 442.16 કરોડની આવક થઇ હતી જેથી આ વરસે પ્રોપર્ટી ટેક્સની આવકમાં 27 ટકા જેટલો વધારો થયો છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બોપલ-ઘુમા નગરપાલિકા વિસ્તારની મિલકતોની આકરણી શરૃ કરવામાં આવી છે જેમાં 40 હજાર મિલકતો પૈકી 22 હજાર મિલકતોની આકરણી થઇ ચૂકી છે. રેવન્યૂ કમિટીના ચેરમેનના દાવો છે કે, બોપલ-ઘુમા વિસ્તારમાં પણ અન્ય વોર્ડની જેમ તમામ સુવિધાઓ આપવામાં આવશે

(10:03 pm IST)