Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

કોઇપણ ક્ષેત્ર મદદની વાતમાં સુરતવાસીઓ કદી પાછા પડતા નથી : સુરતના કોરોના વોરિયર્સ જેનિશ શાહે પોતે કોરોના મુકત થયા બાદ ત્રીજીવાર પ્લાઝમાં ડોનેટ કરી માનવતાને ઉજાગર કરી

જેનીશ શાહ આટલુ કરીને અટકવાને બદલે અન્ય ૧૭ મિત્રોને પ્રેરણા આપી પ્લાઝમાં ડોનેટ કરાવ્યું

સુરતઃ કોરોનાની રસી શોધાઈ હોવાના ભલે દાવા થતાં હોય પરંતુ જોઈએ તેવી સફળતા હજુ મળી નથી, ત્યારે અલગ અલગ પદ્ધતિની મદદથી કોરોનાને હરાવવામાં આવી રહ્યો છે, જેમાં પ્લાઝમા થેરાપી પણ અસરકારક નીવડી છે. સુરતમાં અનેક લોકોએ પ્લાઝમાનું દાન કરી અન્ય લોકોને નવું જીવન આપ્યું છે. સુરતના કોરોના વોરિયર જેનિશ શાહે કોરોનામુક્ત થયાં બાદ સતત ત્રીજી વખત પ્લાઝમા ડોનેટ કર્યું છે. તેઓ છેલ્લાં ત્રણ મહિનામાં ત્રણ વાર પ્લાઝમા ડોનેટ કરી સમાજ માટે ઉદાહરણરૂપ બન્યા છે, એટલું નહીં કોરોનામુક્ત થયેલાં 17 મિત્રો-પરિચિતોને સમજાવી નવી સિવિલમાં પ્લાઝમા ડોનેટ કરાવ્યું છે.

સુરતના વેસુ વિસ્તારમાં શિવકાર્તિક એન્કલેવમાં રહેતાં અને ઇક્વિટી વેલ્થ મેનેજમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા જેનિશ શાહે તા20મી જુલાઈ, 9મી ઓગસ્ટ અને 25મી ઓગસ્ટ ના રોજ  ત્રીજી વાર પ્લાઝમા ડોનેટ કર્યું છે. જેનિશભાઈએ સંકલ્પ કર્યો છે કે, જ્યાં સુધી પ્લાઝમા આપી શકાશે ત્યાં સુધી હજુ પણ પ્લાઝમા દાન કરશે. વધુમાં તેઓ કહે છે કે ગત 22 જુનના રોજ જ્યારે કોરોના થયો ત્યારે ગળામાં સોજો અને તાવ, શરદી જેવા પ્રારંભિક લક્ષણો જણાતા પ્રાથમિક સારવાર લીધી હતી.

ડોક્ટરે જરૂરી દવા સાથે આપેલી સલાહ પ્રમાણે 15 દિવસ હોમ આઈસોલેશનમાં રહી સ્વસ્થ થયો હતો. સ્વસ્થ થયાં બાદ પણ સાવચેતીના ભાગરૂપે 8 દિવસ સુધી ઘરની બહાર નીકળ્યો હતો. એવામાં મારા એક વોટ્સએપ ગ્રુપમાં એક મિત્રનો મેસેજ જોવા મળ્યો જેમાં પોઝિટિવ બ્લડ પ્લાઝમા હોય તો એક કોરોનાગ્રસ્ત દર્દીને સારવાર માટે તાત્કાલિક જરૂર હતી. હું સ્વસ્થ થયો એને 28 દિવસ થઈ ચૂક્યા હતાં. જેથી મેં તેમને કોલ કરીને કહ્યું કે જો મારા પ્લાઝમા મેચ થતાં હોય તો હું આપવાં તૈયાર છું. બ્લડ રિપોર્ટ અને એન્ટીબોડી રિપોર્ટમાં મારૂ બ્લડ અને પ્લાઝમા મેચ થઈ જતાં મેં પ્રથમ વાર 20મી જુલાઈએ નવી સિવિલમાં પ્લાઝમા દાન કર્યું હતું.

જેનિશ વધુમાં કહ્યું કે, મારા પ્લાઝમા થકી કેન્સરથી પીડિત કોરોના પેશન્ટ અને અન્ય એક દર્દીને ઇસ્યુ કરાયું હતું. જેની તબિયત ખુબ સારી હોવાની મને બ્લડ બેંક દ્વારા જણાવતાં મને કોઈના પ્રાણ બચાવવામાં નિમિત્ત બન્યો તેનો અતિ આનંદ છે. હું બિઝનેસ નેટવર્ક સંસ્થા સાથે જોડાયેલો છું. જેમાં 1,600થી વધુ સભ્યો પરસ્પર બિઝનેસના વિકાસની સાથોસાથ પ્લાઝમા જાગૃતિ અભિયાન પણ ચલાવીએ છીએ. પ્લાઝમા જાગૃત્તિ ડોનેટ કરવાં માટે કોરોનામુક્ત થયેલાં અમારા ઘણાં મિત્રો-પરિચિતોને અમે જાગૃત્ત કરી રહ્યા છીએ. મેં મારા 17 જેટલા મિત્રો અને પરિચિતોને પ્લાઝમા ડોનેટ કરવા માટે તૈયાર કર્યા હતાં, જો કોરોનાને માત આપી સારા થયા હતાં.

(10:05 pm IST)