Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

અમદાવાદના પોપ્‍યુલર બિલ્‍ડર ગ્રુપના રમણ પટેલે પુત્રવધુને સમાધાન માટે મોકલેલ રકમ રૂ.ર.પ કરોડ જપ્ત કરતી વષાાપુર પોલીસ

નિકુંજ પટેલની માસીના નવરંગપુરાના ઘરમાંથી પોલીસે રકમ જપ્ત કરી આ રકમની ઓફર સમાધાન પેટે અને પોલીસ સમક્ષ આપેલ નિવેદનમાં ફેરવી તોળવા માટે કરવામાં આવી હતી

અમદાવાદઃ પોપ્યુલર બિલ્ડર રમણ પટેલએ પુત્રવધુ ફિજુ સાથે સમાધાન કરવા અને પોલીસ સમક્ષ નિવેદન ફેરવવા માટે મોકલેલા 2.5 કરોડ રૂપિયાની રકમ ક્રાઈમ બ્રાન્ચ અને વસ્ત્રાપુર પોલીસે નવરંગપુરા વિસ્તારના સૌમ્ય ફ્લેટમાંથી કબ્જે લઈ તપાસ હાથ ધરી છે. ફ્લેટ રમણ પટેલ વિરુદ્ધ ફરિયાદ કરનાર ફિજુ પટેલના માસીનો હોવાનું ખુલ્યું છે. આમ કરોડો રૂપિયાની રકમ જપ્ત થતા સાક્ષીઓને ફોડવા અને પુરાવા સાથે ચેડાં કરવા અંગેનો વધુ એક ગુનો પોપ્યુલર બિલ્ડર ગ્રૂપના રમણ પટેલ સહિતના લોકો વિરૂધ્ધ નોંધાઈ શકે છે.

નવરંગપુરાના સૌમ્ય ફ્લેટમાં રહેતાં નીમા શાહના ઘરેથી આજે ક્રાઇમ બ્રાન્ચે 2.5 કરોડ રૂપિયાની રકમ જપ્ત કરી હતી. પોલીસ તપાસમાં રકમ પોપ્યુલર ગ્રૂપના બિલ્ડર રમણ પટેલએ મોકલી હોવાની વિગતો ખુલી હતી. ફિજુ મૌનાગ પટેલએ તેના સસરા રમણ પટેલ, પતિ મૌનાગ પટેલ, સાસુ અને તેના પિતા વિરુધ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ફરિયાદમાં પતિએ મારમાર્યાની તેમજ સસરા અવારનવાર ખરાબ ઈરાદાથી શરીરે અડતા હોવાના આક્ષેપો કર્યા હતા.સાસુ પણ જેમફાવે તેમ બોલી પરેશાન કરતા અને અવારનવાર ઝઘડા કરતા હતા.ફિજુના પિતા સાસરીયાને ચઢામણી કરી ઝઘડો કરવા માટે ઉશ્કેરતા હતા.

આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધાયા બાદ રમણ પટેલ અને મૌનાંગના આગોતરા જામીન કોર્ટે રદ કર્યા હતા જ્યારે બાકી બે આરોપીના જામીન મંજુર કર્યા હતા. આથી રમણ પટેલ અને મૌનાગ આગોતરા જામીન માટે હાઇકોર્ટમાં ગયા હતા. દરમિયાનમાં આરોપીઓએ સમાધાન માટે ફિજુ અને તેની માતાનો સંપર્ક કર્યો હતો. પોલીસને બાતમી મળી કે, રમણ પટેલએ 2.5 કરોડ રૂપિયાની રકમ ફિજુમાં માસી નીમા શાહને ત્યાં મોકલી સમાધાન માટે દબાણ કર્યું છે. જેના આધારે પોલીસે રેડ કરી કરોડોની રોકડ રકમ કબ્જે કરી હતી. પોપ્યુલર ગ્રૂપના બિલ્ડર રકમ પકડવાના કારણે વધુ એક ગુનામાં આરોપી બને તેવી શકયતા છે. ઉપરાંત ઇડી અને આવકવેરા વિભાગ પણ પોપ્યુલર ગ્રુપ પર સંકજો કસે તો નવાઈ નહીં તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

(10:42 pm IST)