Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

અમદાવાદમાં મોડીરાતે જર્જરીત મકાન ધરાશાયી : ૧નું મોત : હજુ બે થી ત્રણ લોકો દટાયા

ફાયરબ્રીગેડની ટીમ દ્વારા કાટમાળ કાઢવાની કામગીરી ચાલુ : આસપાસની અન્ય જુની ઇમારતોમાં રહેતા લોકોમાં પણ ભયનો માહોલ

અમદાવાદ,તા.૨૮: અમદાવાદમાં ગત વર્ષે એક જૂનવાણી મકાન ધરાશાયી થવાની કરૂણાંતિકા સર્જાઈ હતી જેમાં પરિવારે જિંદગી ગુમાવી હતી. આ ઘટના બાદ પણ ન જાગેલા તંત્રએ એક જૂનવાણી મકાન સમયસર ખાલી ન કરાવતા અમદાવાદના કૂબેરનગરમાં કરૂણાંતિકા સર્જાઈ છે. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનો જીવ ગયો છે, જ્યારે બે વ્યક્તિનો બચાવ થયો છે.

કૂબેરનગરમાં મોડી રાત્રે એક જૂનવાણી મકાન પત્તાના મહેલની જેમ ધરાશાયી થતા બેથી ત્રણ લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. રાતના અંધારામાં શરૂ કરવામાં આવેલા કાટમાળ હટાવાના કામમાં વિક્ષેપની વચ્ચે વહેલી સવારે ચિત્ર સ્પષ્ટ થયું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર આ મકાન કૉમ્પલેક્ષ સમાન હતું. જેમાં નીચે દુકાનો હોવાની વિગતો સામે આવી છે. કોર્પોરેશનના મતે આ જર્જરિત હતું.

ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં રાત્રે ૧૨.૦૦ વાગ્યા બાદ આ ઘટના બની હતી. આ મકાન કૂબેરનગરના ફાટક પાસેના વિસ્તારોમાં આવેલું હતું. મકાનના કાટમાળ પરથી તે મોટી જગ્યામાં હોવાનું અનુમાન છે. આ કાટમાળમાંથી મૃતદેહ મળી આવ્યા બાદ સ્વજનોનો આંક્રદ શરૂ થઈ ગયો હતો. વહેલી સવારે પણ મકાનનો કાટમાળ હટાવવાની કામગીરી શરૂ હતી.

બૂલડોઝર અને કટરની મદદથી મકાનના કાટમાળને દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી. મોડી રાતથી જ આ સ્થળે લોકોના ટોળેને ટોળા ઉમટી પડ્યા હતા. વિસ્તારના પગલે આસપાસની અન્ય જૂની ઇમારતોમાં રહેતા લોકોમાં પણ ડરનો માહોલ ફેલાયો છે.

(3:40 pm IST)