Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત સીસીટીવી ફુટેજ પોલીસ માટે બ્રહ્માસ્ત્ર પૂરવાર થઇ રહયું છે

એક યુગમાં જે કામગીરી પગલા પારખુ પગીઓ અને બાતમીદારો કરતા તેનુ સ્વરૂપ આધુનિક યુગમાં ઝડપથી બદલી રહયું છે : રાજયના વિવિધ જીલ્લાઓમાં પ્રાથમીક તબક્કે વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ૬૦૬પ પાવરફુલ કેમેરાઓ લગાડયા, હવે આ સંખ્યા તુર્તમાં ડબલ થઇ જશેઃ વિશ્વાસ પ્રોજેકટના સ્વપ્નદ્રષ્ટા લો એન્ડ ઓર્ડરના વડા નરસિંમ્હા કોમાર સાથે અકિલાની વાતચીત

રાજકોટ, તા., ર૮: ગુનેગારો ઉપર બાજ નજર રાખવા, ગુનેગારો બનાવ સમયે કયાં હતા? અને ટ્રાફીક મેનેજમેન્ટ માટે હાલના યુગમાં સીસીટીવી  કેમેરાઓ બ્રહ્માસ્ત્ર જેવા પોલીસ તંત્ર માટે પુરવાર થઇ રહયા હોવાથી હવે નવી પેઢીના પોલીસ અધિકારીઓમાં બાતમીદારોનું મહત્વ ઘટવા સાથે નવી ટેકનીકનો જે રીતે ઉપયોગ થઇ રહયો છે અને ગુન્હા ઉકેલ તથા કોર્ટમાં પુરવાર કરવામાં જે રીતે સફળતા મળી છે તેને લઇ ગુજરાત પોલીસ દ્વારા રાજયભરના વિવિધ શહેરો અને જીલ્લાઓમાં અતિ આધુનિક સીસીટીવી આધારીત વિશ્વાસ પ્રોજેકટ અમલી બન્યાનું રાજયના લો એન્ડ ઓર્ડરના ઇન્ચાર્જ એડીશ્નલ ડીજી અને વિશ્વાસ પ્રોજેકટના સ્વપ્નદ્રષ્ટા નરસિંમ્હા કોમારે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

નરસિંમ્હા કોમારે વિશેષમાં જણાવેલ કે, પ્રાથમીક રીતે જ ૬૦૬૫ જેટલા સીસીટીવી કેમેરાઓ વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત રાજયના વિવિધ જીલ્લાઓમાં લગાડવામાં આવ્યા છે. હવે આ સંખ્યા બમણી થઇ જશે તેમ પણ તેઓએ વિશેષમાં જણાવેલ. તેઓએ જણાવેલ કે વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત લગાડાયેલા આ કેમેરાઓ તંત્ર માટે ખુબ જ ઉપયોગી પુરવાર થઇ રહયા છે.

આ કેમેરાઓ દ્વારા ગુન્હેગારોની તમામ હિલચાલ પર નજર રાખવા સાથે ગુન્હેગારો ગુન્હો કર્યા બાદ આગળ કયાં કયાં ગયા? રસ્તામાં કયાં ઉભા રહયા? તે તમામ બાબતોની જાણકારી પાવરફુલ અને દુર સુધી દ્રશ્યો ઝીલવાની ક્ષમતાને કારણે જાણી શકાય છે. નરસિંમ્હા કોમારે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે આવા ગુન્હેગારો સામે કાયદાકીય ગાળીયો મજબુત બનાવવા માટે અદાલતમાં પણ આવા ફુટેજ ખુબ જ મહત્વના બની રહયા છે.

ટ્રાફીક બ્રાન્ચ દ્વારા હેલ્મેટ વગર નિકળતા લોકોકે ચાલુ વાહને મોબાઇલ પર વાત કરતા લોકોને ઝડપવા સાથે કોરોના કાળમાં લોકડાઉનનો ભંગ કરનારા લોકો પણ આ પ્રોજેકટને આધારે જ ઝડપાવા સાથે ગંભીર પ્રકારના એકસીડેન્ટો, હીટ એન્ડ રન જેવા કેસો તથા ગુન્હો બન્યા પછીની તપાસમાં પણ વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત લગાડાયેલા કેમેરાઓ ખુબ જ ઉપયોગી થઇ રહયાની બાબતને આંકડાકીય માહીતી સાથે લો એન્ડ ઓર્ડરના વડા નરસિંમ્હા કોમારે સમર્થન આપ્યું હતું. તેઓએ જણાવેલ કે મહાનુભાવોની મુલાકાત સમયે પણ સર્વેલન્સ માટે આ કેમેરાઓ ખુબ જ ઉપયોગી થઇ રહયાનું દેશના વિવિધ રાજયના પોલીસ અધિકારીઓ દ્વારા પણ  સ્વીકાર થયો છે.

ટુંકમાં કહીએ તો જુના યુગમાં જે કામગીરી પગલા પારખુ પગીઓ અને વિવિધ વિસ્તારના બાતમીદારો દ્વારા થતી એ કામગીરી હવે ટેકનીકલ યુગમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત સીસીટીવી દ્વારા થઇ રહી છે.

(12:55 pm IST)