Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

'લોકડાઉનમાં પોલીસે નોંધેલા કલમ ૧૮૮ હેઠળના કેસ ચલાવવા તે કોર્ટના સમયના બગાડ સમાન'

કલમ ૧૮૮ હેઠળ નોંધાયેલા હળવા ગુનામાં પોલીસે FIR નોંધતા પહેલા જયુડિશિયલ મેજિસ્ટ્રેટની મંજૂરી લેવી આવશ્યક હોય છે : લોકડાઉન દરમિયાન પોલીસે કારણ વિના ઘરની બહાર નીકળનારા હજારો લોકો વિરૂધ્ધ ગુના દાખલ કર્યા હતા

વડોદરા,તા.૨૮ : રાજય સરકાર પણ લોકડાઉન દરમિયાન કલમ ૧૮૮ હેઠળ નોંધાયેલા ગુના પડતા મૂકવાનો અંદેશો આપી ચૂકી છે, ત્યારે વડોદરામાં જૂન મહિનાથી જ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ્સને આવા કેસોમાં વધુ કાર્યવાહી ના કરવા માટે જણાવી દેવાયું હતું. ૨૨ જૂનના રોજ વડોદરાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ અને સેશન્સ જજ દ્વારા એક સકર્યુલર કરી જયુડિશિયલ મેજિસ્ટ્રેટ્સને જણાવાયું હતું કે આ મામલે પોલીસ દ્વારા ફાઈલ કરાયેલી ચાર્જશીટની નોંધ ના લેવી.

પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજ એમઆર મેંગડેએ કલમ ૧૯૫(૧)નો હવાલો આપતા જણાવ્યું હતું કે કલમ ૧૭૨થી ૧૮૮ હેઠળ નોંધાયેલી ફરિયાદ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજિસ્ટર થવી જોઈએ. ત્યારબાદ જો જયુડિશિયલ મેજિસ્ટ્રેટ પરવાનગી આપે તો જ પોલીસ આ મામલે FIR કરી શકે. જો આ પ્રક્રિયાનું પાલન ના થયું હોય તો કોર્ટો આવા કેસમાં પોલીસે ફાઈલ કરેલી ચાર્જશીટની નોંધ ના લે. કોર્ટોનો સમય ના વેડફાય તે માટે તેમને આ પ્રકારની ચાર્જશીટ ધ્યાને ના લેવા માટે કહેવામાં આવ્યું હતું. તેમ ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં જણાવે છે.

તાજેતરમાં જ ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં જયુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા કલમ ૧૮૮ હેઠળ નોંધાયેલી ત્રણ ફરિયાદો પહેલી જ સુનાવણીમાં ડિસમિસ કરી દેવાઈ હોવાનો અહેવાલ પ્રસિદ્ઘ થયો હતો. જેમાં કોર્ટે કલમ ૧૯૫નો હવાલો આપી લોકડાઉનના ભંગની કલમ ૧૮૮ હેઠળ નોંધાયેલી ફરિયાદમાં પોલીસે દાખલ કરેલી ચાર્જશીટની નોંધ લેવાનો ઈનકાર કરી ફરિયાદને ડિસમિસ કરી દીધી હતી.

સામાન્ય રીતે સરકારી કર્મચારીને તેમની ફરજ અદા કરવામાં વિક્ષેપ ઉભો કરવો, સરકારી અધિકારી દ્વારા અપાયેલા કોઈ આદેશ કે જાહેરનામાનો ભંગ કરવા જેવા ગુનામાં આઈપીસીની કલમ ૧૭૨થી ૧૮૮ હેઠળ પોલીસ ફરિયાદ નોંધતી હોય છે. માત્ર વડોદરા શહેરમાં જ ૨૫ માર્ચથી ૩૧ મેના ગાળામાં ૧૧,૫૩૪ લોકો સામે આ પ્રકારના કુલ ૮,૭૨૬ ગુના નોંધવામાં આવ્યા હતા. પોલીસે આ ગુના લોકડાઉન દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરવા બદલ નોંધ્યા હતા. મોટાભાગના આરોપી લોકડાઉન દરમિયાન વગર કારણે દ્યરની બહાર ફરતા ઝડપાયા હતા.

કલમ ૧૮૮ ઉપરાંત IPCની ૧૬ જેટલી કલમો હેઠળ આ મામલે નોંધાયેલા કેસોને ધ્યાને લેતી વખતે કાયદાકીય પ્રક્રિયાને ધ્યાને રાખવા માટે જયુડિશિયલ મેજિસ્ટ્રેટ્સને જણાવાયું છે. આ સકર્યુલરની કોપી ગુરુવારથી જ વકીલોના વિવિધ ગ્રુપમાં પણ શેર કરાઈ રહી છે.

લોકડાઉન દરમિયાન મોર્નિંગ વોક પર નીકળેલા, સોસાયટીના કોમન પ્લોટમાં ફરતા કે ટેરેસ પર ટોળે વળીને બેઠેલા લોકો સામે પણ પોલીસે ગુના નોંધ્યા હતા. જો કે સરકાર આ પ્રકારના ગંભીર ના હોય તેવા ગુનાને પાછા ખેંચી લેવા વિચારી રહી છે. તેવામાં વડોદરાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજે જયુડિશિયલ મેજિસ્ટ્રેટ્સ પોલીસ દ્વારા ફાઈલ કરાયેલી ચાર્જશીટની નોંધ લઈ રહ્યા હોવાનું પોતાના ધ્યાને આવ્યાનું જણાવ્યું હતું. તેમણે બહાર પાડેલા સકર્યુલરમાં આ કાર્યવાહીને સમયનો બગાડ ગણાવવામાં આવી છે.

(3:39 pm IST)