Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

વિશ્વભરનાં હેવી ટ્રક-કાર સહિતનાં વાહનો સ્ક્રેપિંગ માટે ગુજરાત આવશે

ભારે વાહનો માટેનું બ્રેકિંગ યાર્ડ ભાવનગરમાં આકાર લેશે

અમદાવાદ તા. ર૮ :.. શિપ બ્રેકીંગ માટે વિશ્વભરમાં પ્રખાત ગુજરાતનું અલંગ હવે વધુ એક સ્ક્રેપિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે વિખ્યાત થશે. કેન્દ્ર સરકાર અલંગ શીપ બ્રેકિંગ યાર્ડની આજુબાજુનાં દરિયા કાંઠા પર હેવી વાહન સ્ક્રેપિંગ યુનિટ બનાવવાની યોજના ઘડી રહી છે. તેના માટે અલંગની બાજુના મથાવડા તથા મીઠી વીરડી દરિયા કાંઠા પર પસંદગી ઉતારવામાં આવે તેવી શકયતાઓ છે. કેન્દ્ર સરકાર દ્વાર હેવી વાહન સ્ક્રેપીંગ પોલીસી બનાવાઇ રહી છે અને તે અંગેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે એમએસએમઇ - રોડ ટ્રાન્સપોર્ટ-હાઇવે વિભાગનાં સુત્રો મુજબ રિસાઇકલિંગ કલસ્ટર પોર્ટની નજીક હેવી વાહન-સ્ક્રેપિંગ યુનિટ સ્થાપવામાં આવશે.

ભારત આગામી પાંચ વર્ષમાં ઓટોમોબાઇલ ક્ષેત્રે વિશ્વનું સૌથી મોટુ ઉત્પાદન હબ બનશે. વિશ્વની જાણીતી અને પ્રતિષ્ઠિત કાર કંપનીઓ અને હેવી ટ્રક, બસ કંપનીઓનાં ઉત્પાદન ભારતમાં ચાલુ થઇ રહ્યાં છે. ત્યારે અન્ય દેશોમાંથી જુની કાર, ટ્રક, બસ સહિતનાં વાહનો ભાંગા માટે ભારતમાં લાવવામાં આવશે અને આવા હેવી વિહિકલનું રિસાઇકલિંગ કરાયા બાદનું મટીરિયલ ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીને કયાંક કયાંક ઉપયોગમાં આવી શકે છે. હાલ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં ભંગાવવા માટે આવતાં જહાજનાં જુના સ્પેર પાર્ટ અને મશીનરીઓ આયાતી શિપ માટે ઉપયોગમાં આવે છે. અને તેનો મોટો વ્યવસાય અલંગ-ભાવનગરમાં વિકસિત થયો છે.

ભારતમાં રીસાઇકલિંગ પોર્ટ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં સ્થાપિત થયેલું છે, અને અલંગ તથા સોનિયાની બાજુનાં ગામોનાં દરિયાકાંઠા પર એવા વાહન સ્ક્રેપિંગ યુનિટ સ્થપાય તેવી શકયતા છે. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ પછી જામનગરના સચાણામાં શિપ બ્રેકિંગ યાર્ડ શરૂ કરવાની મંજુરી સરકારે આપી દીધી છે. જેમાં આંતરરાષ્ટ્રીય ધારા ધોરણો મુજબનું નવું અલંગ આકાર પામશે.

(3:41 pm IST)