Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

સુરતના અઠવાલાઇન્સ નજીક પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટરના અંતરે ચપ્પુની અણીએ ચેઇન આંચકી તસ્કરો ફરાર થઇ જતા અરેરાટી મચી જવા પામી

સુરત: અઠવાલાઇન્સ સ્થિત પોલીસ ભવનથી માત્ર 500 મીટરના અંતરે મોટરસાઇકલ સવારે બે મિત્રોને મનકી કેપ પહેરેલા ચેઇન સ્નેચરોએ નિશાન બનાવ્યા હતા અને પીછો કરતા ચપ્પુ બતાવી તેરે મે તાકાત હે તો અબ કે દીખા તેવી ધમકી આપી મોટરસાઇકલ પુર ઝડપે હંકારી ભાગી ગયા હતા.

ઓનલાઇન શોપીંગ કંપનીમાં નોકરી કરતો હર્ષ રાજુ આગાવાલા (.. 22 રહે. 1/2342, નળવાળી ગલીની સામે, માછીવાડ) અને તેનો મિત્ર અમન વિજય ગોવાલીયા ગત રાત્રે 9.30 કલાકે યામાહા એફઝેડ મોટરસાઇકલ પર ડુમસ રોડ પર આંટો મારી પરત આવી રહ્યા હતા. તે દરમ્યાન પાર્લેપોઇન્ટ ઓવર બ્રિજ નીચે સેન્ટર કોર્ટ હોટલ સામેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે મન્કી કેપ પહેરેલા મોટરસાઇકલ સવાર બે સ્નેચરો ઘસી આવ્યા હતા. જે પૈકી પાછળ બેસેલા સ્નેચરે ચાલુ મોટરસાઇકલે ખભા પર હાથ મુકતા હર્ષે મોટરસાઇકલ સવાર તરફ નજર કરતા વેંત ગળામાંથી રૂા. 45 હજારની કિંમતની સોનાની ચેઇન આંચકી લઇ મોટરસાઇકલ પુર ઝડપે હંકારી મુકી હતી. જેથી મોટરસાઇકલ હંકારી રહેલા અમન અને હર્ષએ સ્નેચરોનો પીછો કર્યો હતો અને કોર્ટ બિલ્ડીંગ સામે તેઓને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચેઇન આંચકનાર સ્નેચરે કમરના ભાગેથી ચપ્પુ કાઢી અમન અને હર્ષને બતાવી તેરે મે તાકાત હે તો અબ કે દિખા એમ કહી ધમકાવી મોટરસાઇકલનો યુ ટર્ન મારી વી.ટી. ચોક્સી લો કોલેજ થઇ ઘોડદોડ રોડ તરફ ભાગી ગયા હતા. ઘટના અંગે હર્ષ આગાવાલાએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે સ્નેચરોની શોધખોળ હાથ ધરી છે.

(5:23 pm IST)