Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

અમદાવાદ આરટીઓમાં બોગસ રસીદ કૌભાંડ પકડાયું

એજન્ટ ડુપ્લીકેટ રસીદ બનાવી કૌભાંડ ચલાવતા હતા : પોલીસે ડિટેઇન કરેલ વાહનો છોડાવવા માટે આરટીઓની બોગસ રસીદ આપી છેતરપિંડીનું કૌભાંડ સામે આવ્યું છે

અમદાવાદ,તા.૨૮ : અમદાવાદ આરટીઓની બોગસ રસીદ આપી વાહન છોડાવવાનું ફરી એકવાર કૌભાંડ  ઝડપાયું છે. અગાઉ પકડાયેલા આરટીઓ એજન્ટ બિન્દાસ ડુપ્લીકેટ રસીદ બનાવી આ સમગ્ર કૌભાંડ ચલાવી રહ્યા છે. અમદાવાદમાં પોલીસે ડિટેઇન કરેલા વાહનોને છોડાવવા માટે આરટીઓની બોગસ રસીદ આપી છેતરપિંડીનું કૌભાંડ સામે આવ્યું છે. બાપુનગર પોલીસને આરટીઓની ડુપ્લીકેટ રસીદ બનાવી કૌભાંડ ચાલતું હોવાની માહિતી મળતા પોલીસે ગુજરાત હાઉસિંગ બોર્ડ સુન્દરમનગરમાં ગુલઝાર અંસારી નામના આરટીઓ એજન્ટના ઘરે રેડ કરતા ડુપ્લીકેટ રસીદ બનાવવા કોમ્યુટર, પ્રિંટીંગ મશીન,અશોકસ્થભ અને આરટીઓના સિક્કાઓ મળી આવ્યા. આરોપી એજન્ટ લોકોને દંડ ઓછો કરી આપવાની લાલચ આપી જે દંડ હોય તેની અડધા પૈસા મેળવી લઈ ડુપ્લીકેટ રસીદ આપતો હતો.

         આરોપી ગુલઝાર અંસારી દંડ વસૂલી અને ખોટી રસીદ વાહન ચાલકને આપીને પોલીસ સ્ટેશન વાહન છોડાવી લેતા હતા. ઝડપાયેલ આરોપી ગુલઝાર અંસારીને ગોમતીપુર પોલીસે ઓગસ્ટ મહિના ૨૦૧૯માં આરટીઓની ડુપ્લીકેટ રસીદ કેસમાં ધરપકડ કરી હતી. એક અઠવાડિયામાં જેલમાંથી બહાર આવી ગયા બાદ આરોપી ગુલઝાર અંસારી બિન્દાસ ડુપ્લીકેટ રસીદ બનાવવાનું શરૂ કરી દીધું હતું. આરોપી ગુલઝાર ઉર્ફે સમીર અંસારી અને નફીસ અજગરઅલી શેખ બને ભેગા મળી ડુપ્લીકેટ રસીદ બનવાનું કૌભાંડ ચલાવી રહ્યા છે. જેમાં આરોપી નફીસ શેખ વસ્ત્રાલ આરટીઓની બહાર ઉભા રહીને પોલીસે ડિટેઇન થયેલ લોકોને વિશ્વાસમાં લઇ તેને ઓછા પૈસા ભરાવનું કહીને ડુપ્લીકેટ રસીદ બનાવતા હતા. જે આરટીઓ રસીદ આરોપી ગુલઝાર અંસારી પોતાના ઘરે બનાવતો હતો. આરટીઓ રસીદ ઓરીજનલ અને ડુપ્લીકેટ માં કોઈ પ્રકાર ફેરફાર ન હોવાથી ખ્યાલ પડતો નથી.

(7:16 pm IST)