Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

તું નોકરી કરવા નહીં, ફરવા જાય છે : સાસરિયાનો દાવો

પોલીસમાં ફરજ બજાવતી મહિલાને સાસરિયાનો ત્રાસ : મહિલાને પિયરમાંથી દહેજ લાવવા માટે ખુબ દબાણ કરાયું જેઠ કહેતા નોકરી જાય તે પહેલા ઘરના કામ કરીને જવાનું

અમદાવાદ,તા.૨૮ : રોજબરોજ સાસરિયાઓના ત્રાસથી કંટાળી મહિલાઓ તેમના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવતા હોય તેવા અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે હવે એક મહિલા પોલીસકર્મીએ જ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું છે. આ મહિલા પોલીસકર્મી પૂર્વ વિસ્તારના એક પોલીસસ્ટેશનમાં લોકરક્ષક તરીકે ફરજ બજાવે છે. તેના સાસરિયાઓ કહેતા કે ઘરના કામ પતાવીને જ પોલીસની નોકરી કરવા જવાનું. જેથી કંટાળીને આ મહિલાએ પોલીસ ફરિયાદ આપતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે. મહિલા પોલીસકર્મી જ્યારે પોલીસસ્ટેશનની ડ્યુટી પુરી કરીને આવે ત્યારે સાસરિયાઓ મહેણાં મારતા કે તું ફરવા જાય છે નોકરી કરવા નહિ. અને તેનો જેઠ પણ કહેતો કે નોકરી પર જાય તે પહેલા ઘરના કામ કરીને જવાનું. આટલું જ નહીં સાસરિયાઓ બધા ભેગા થઈને વાતો કરે પણ આ મહિલા પોલીસકર્મીને વહુ તરીકે સાથે ન રાખી તેને રૂમમાં એકલા જ બેસાડી રાખતા હતા.

              જેથી આખરે કંટાળીને આ મહિલા પોલીસકર્મી એ સાસરિયા પક્ષના પાંચ લોકો સામે માનસિક શારીરિક ત્રાસ અને દહેજ ધારા હેઠળ ફરિયાદ આપતા બાપુનગર પોલીસે તપાસ હાથ ધરી છે. શહેરના પૂર્વ પોલીસ સ્ટેશનમાં સાડા ત્રણ વર્ષથી વુમન લોકરક્ષક તરીકે એક મહિલા ફરજ બજાવે છે. તેમના લગ્ન વર્ષ ૨૦૧૯માં થયા હતા અને લગ્ન પહેલા તેમના પતિ જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરતા હોવાથી બને વચ્ચે બોલી થયેલી કે લગ્ન બાદ છ મહિના મહિલા પોલીસકર્મી તેમના ઘરે અને છ મહિના સાસરે આવીને રહેશે. લગ્ન બાદ આ જ બોલી પ્રમાણે આ મહિલા પોલીસકર્મી રહેતા હતા. પણ જ્યારે તેઓ સાસરે આવ્યા ત્યારે થોડા જ દિવસોમાં સાસરિયાઓ એ મહિલા પોલીસકર્મીને મહેણાં મારવાનું શરૂ કર્યું હતું. મહિલા પોલીસકર્મીની પીએલઆઈ પોલિસી બન્ધ કરાવી જે સરકારી પગાર આવે તે ઘરમાં આપવાનું કહેતા અને ત્રાસ આપતા હતા. આટલું જ નહીં તેઓને દેવું થઈ ગયું હોવાનું કહી મહિલા પોલીસકર્મીને પિયરમાંથી બધું લાવવા દબાણ કરતા હતા. મહિલા પોલીસકર્મીની જેઠાણી પણ કહેતી કે ત્રણ માળ ભરીને જે છે એ બધું તે પિયરમાંથી લાવી છે.

(7:17 pm IST)