Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

સુરતમાં પત્ની સાથે સામાન્ય તકરારમાં ગુસ્સે ભરાયેલ પતિએ પત્નીનું ગળું દબાવી મોત ને ઘાટ ઉતારી દેતા પતિ ગયો પોલીસ હીરાસત માં

સુરતના સરથાણા માં એક દીકરો સાથે રહેતા પતિએ પત્ની હર્ષાબેનનું દુપટ્ટાથી ગળું દબાવી દીધું : લોકડાઉન પછી સુરતમાં ગુન્હાખોરીનો આંક ઊંચક્યો

સુરત: પતિ-પત્નીના પવિત્ર સંબંધમાં જ્યારે ખટાશ આવે અને ઝઘડો થાય છે, ત્યારે કેટલીક વખત બેમાંથી એકની હત્યા થતી હોય છે. આવી જ એક ઘટના સુરત શહેરમાં બનવા પામી છે. અહીંના સરથાણા વિસ્તારમાં રહેતા એક પતિએ સામાન્ય ઝઘડામાં પત્નીનું ગળું દબાવી (Surat Wife Murder) હત્યા કરી નાંખી છે. હાલ પોલીસ પતિની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે.

આ અંગે પ્રાપ્ત વિગત પ્રમાણે, સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી નીલમ સોસાયટીના વિભાગ-4માં રસિકભાઈ નસિત પોતાની પત્ની હર્ષાબેન અને 7 વર્ષના દીકરા સાથે રહે છે.

હર્ષાબેન હીરાનું કામ કરે છે. આજે બપોરના સમયે રસિકભાઈ અને હર્ષાબેન પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો.

આ ઝઘડાએ ઉગ્ર રૂપ ધારણ કરતા પતિ રસિકે પત્ની હર્ષાનું દુપટ્ટાથી ગળું દબાવી હત્યા કરી નાખી હતી.

ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં પતિએ પત્નીનો સાદો મોબાઈલ ફોન તોડી નાખ્યો હોવાનું જણાયું હતું. હાલ પોલીસે પતિ રસિકભાઈની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં લોકડાઉન પછી ગુનાખોરીમાં વધારો થયો છે.

(8:41 pm IST)