Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

અમદાવાદની જાણીતી પોપ્યુલર બિલ્ડર ગ્રુપની કૌટુંબીક વિવાદમાં રૂ. ૨.૦૫ કરોડની રોકડ ઝડપાયા બાદ પોલીસે રમણ પટેલના ભાઈ દશરથ પટેલ તથા ભત્રીજાની ઊંડાણથી પૂછપરછ કરી

પુત્રવધુની ફરિયાદ બાદ રમણ પટેલ અને મૌનાંગની ધરપકડ કરાઈ..

અમદાવાદ: પોપ્યુલર બિલ્ડર પરિવારના વધુ એક પારિવારિક વિવાદમાં પુત્રવધુ ફિઝુની ફરિયાદ મામલે બિલ્ડર રમણ પટેલ અને તેમના પુત્ર મૌનાંગની પોલીસે અટક કરી છે. કોવિડ રિપોર્ટ બાદ આરોપીઓની ધરપકડ સહિતની કાર્યવાહી થશે. ફિઝુએ સસરા રમણ પટેલ, સાસુ મયુરિકા પટેલ, પતિ મૌનાંગ પટેલ અને પિતા મુકેશ પટેલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

દરમિયાનમાં આરોપીઓએ ફિઝુનું અપહરણ કરી પોતાની તરફેણમાં નિવેદન આપતા કાગળો પર ધાકધમકી આપી સહીઓ કરાવી અને તે પેટે 2.50 કરોડ રૂપિયા આપ્યા હતા.આ રીતે પુરાવાનો નાશ કરવા સહિતના કૃત્યો આરોપીઓ દ્વારા આચરવામાં આવ્યા હતા. પોલીસે ફિઝુના માસીના ઘરેથી 2.50 કરોડ જપ્ત કર્યા બાદ આરોપીઓ વિરૂધ્ધ અગાઉની ફરિયાદમાં વધુ કલમો ઉમેરી છે.જ્યારે રમણ પટેલના ભાઈ દશરથ પટેલ અને ભત્રીજા વિરેન્દ્રની પૂછપરછ હાથ ધરી છે.

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગત 15મી ઓગષ્ટના રોજ બોડકદેવના દીપ ટાવરમાં રહેતી 33 વર્ષીય ફિઝુ મૌનાંગ પટેલએ તેના પતિ મૌનાંગ રમણ પટેલ, સસરા રમણ ભોળીદાસ પટેલ, સાસુ મયુરિકા રમણ પટેલ અને ફિઝુના પિતા મુકેશ ભગુભાઈ પટેલ વિરૂધ્ધ ફરિયાદ કરી હતી. ફિઝુએ નોંધાવેલી ફરિયાદ મુજબ પતિએ લગ્નના એક વર્ષ બાદથી તેની સાથે મારઝૂડ કરી હતી.સાસુ સસરા શારીરિક માનસિક ત્રાસ આપતા તેમજ ટોણા મારતા હતા. પહેલી ઓગષ્ટના રોજ પુત્રી આર્યાના જન્મદિવસ નિમિતે પરિવારના સભ્યો ભેગા થયા હતા. સાસુ સસરા પતિ અને ફિઝુના પિતાએ મહેમાનો ગયા બાદ ફિઝુ અને તેની માતા સાથે તકરાર કરી હતી. ફિઝુના પિતાએ સાસુ સસરા અને પતિને ઉશ્કેરયા કે માં દીકરીને સીધી કરી નાખો. પતિ મૌનાંગએ ફિઝુને મારમારી મુક્કા મારતા દાંત તૂટી ગયો નાક પાસે ગંભીર ઇજા થઇ હતી.

આ ફરિયાદ નોંધાયા બાદ આરોપીઓ આગોતરા જામીન માટે કોર્ટમાં ગયા હતા. કોર્ટે ફિઝુના પિતા મુકેશભાઈ અને સાસુ મયુરિકાના જામીન મંજુર કર્યા પણ રમણ પટેલ અને મૌનાંગ પટેલની જામીન અરજી ફગાવી દીધી હતી. આથી બંને હાઇકોર્ટમાં આગોતરા જામીન લેવા માટે પહોંચ્યા હતા. આ જામીન મંજુર થાય તે હેતુથી આરોપીઓએ ધાકધમકીથી ફિઝુનું અપહરણ કરી પોતાની તરફેણમાં નિવેદન આપતા કાગળો પર સહીઓ કરાવી હતી. આ પેટે 2.50 કરોડ રૂપિયાની રકમ આરોપીઓએ ફિઝુના માસી નિમાબહેન શાહના નવરંગપુરા સૌમ્ય ફ્લેટ સ્થિત મકાનમાં મોકલાવી હતી.

આ અંગે પોલીસને જાણ થતાં ક્રાઈમબ્રાન્ચ સાથે મળી પોલીસે રકમ જપ્ત કરી હતી. સમગ્ર ઘટના અંગે ફિઝુએ પોલીસ સમક્ષ ઘટસ્ફોટ કર્યોં હતો. પોલીસે ફિઝુની રજુઆત આધારે આરોપીઓ વિરૂધ્ધ આઈપીસીની કલમ 365,385,342,199 અને 120 (બી)નો ઉમેરો જૂની ફરિયાદમાં કર્યો હતો. આ ગાળામાં પોલીસે ફરાર થઈ ગયેલા બિલ્ડર રમણ ભોળીદાસ પટેલ અને તેના પુત્ર મૌનાંગને બાતમીના આધારે અટક કરી લીધા હતા. પિતા પુત્રના કોવિડ રિપોર્ટ બાદ બંનેની ધરપકડની કાર્યવાહી કરવામાં આવશે તેમ પીઆઈ વાય.બી.જાડેજાએ જણાવ્યું હતું.

(10:27 pm IST)